Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

કોરોનાની સંભવિત ત્રીજી લહેર પૂર્વે સજજ થતી ભુજની જી.કે. જનરલ અદાણી હોસ્પિટલ : કચ્છના બાળકો માટે ૧૦૨ બેડ સાથે એનઆઈસીયુની સુવિધા, પ્રસૂતા મહિલાઓ માટે પણ સારવાર, તબીબી સાધનો માટે તંત્ર સાથે સંકલન

 (વિનોદ ગાલા દ્વારા)  (ભુજ) કોરોનાની બીજી લહેર અત્યારે શાંત છે અને કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ, ૩જી લહેર વિષે તબીબો, વિશેષજ્ઞો અને વૈજ્ઞાનિકો સંભાવના દર્શાવી રહ્યા છે. ત્યારે થર્ડ વેવની સંભવિત પરિસ્થિતિ મુજબ તૈયાર રહેવા માટે સૂચવેલા દિશા નિર્દેશ મુજબ અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ પણ તૈયારીમાં પરોવાઈ ગઈ છે.

ત્રીજી લહેરમાં ખાસ કરીને બાળકોને અસર કરી શકે છે. એવી શક્યતાને પગલે જી.કે. જનરલ હોસ્પિટલ આ બાબતને ટોચ અગ્રતા આપી પગલાં ભરવાનું નક્કી કર્યુ છે. તો બીજી તરફ જિલ્લા કલેક્ટર વહીવટીતંત્રે પણ હોસ્પિટલને સહાયભૂત થવા દર્શાવેલી તત્પરતાને કારણે ૩જી લહેરના સામના માટે સજ્જ થઈ હોવાનું જી.કે.ના ચીફ મેડી. સુપ્રિ. ડો. નરેંદ્ર હીરાણીએ જણાવ્યુ હતું.

તેમણે કહ્યું કે, અત્યારે બાળક અને નવજાત શિશુ ત્રીજી લહેર માટે સંવેદનશીલ મુદ્દો હોવાથી બાળ વિભાગ સુસજ્જ થાય તે માટે હાલ તુરંત ૧૦૨ બેડની તૈયારી કરવામાં આવી છે. જેમાં ૨૦ એન.આઈ.સી.યૂ (NICU), ૨૦ પી.આઈ.સી.યુ. (PICU), ૪ર બાળકના વોર્ડ અને ર૦ પથારી શંકાસ્પદ (સસ્પેક્ટેડ) કૈસ માટેની તૈયારી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

એવી જ રીતે વહીવટીતંત્રના પાસેથી સી.પેપ, વેંટીલેટર તથા મોનીટર (પીડિયા) તેમજ આનુષંગિક ઉપકરણો મળે એ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

ત્રીજી વેવમાં બાળકો ઉપરાંત ગર્ભવતી મહિલાને પણ અસર થઈ શકે છે. એવી સંભાવના ઉપર વિચારીને પ્રેગ્નેન્ટ વુમન માટે પણ તૈયારી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત જરૂરી દવા જગ્યા અને વધારાના બેડ પીડિયા વિભાગની આવશ્યકતા મુજબ સજ્જ કરવા નક્કી કરવામાં આવ્યું છે.

જી.કે. જનરલ હોસ્પિટલમાં બીજી લહેર દરમિયાન ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ વધુ હોવાથી એ મુજબ વ્યવસ્થા ગોઠવાઈ હતી. અત્યારે ઓકસિજનના ૪ પ્લાન્ટ અને એક લિક્વિડ ટેન્ક ઉપલબ્ધ છે. તો બીજી તરફ નવો સ્ટાફ વધારવા તેમજ નર્સિંગ સ્ટાફને ત્રીજી વેવ માટે ખાસ કરીને પીડિયા વિભાગમાં કામ કરવા માસ તાલીમ પણ અપાશે, એમ ડો. હીરાણીએ જણાવ્યું હતું.

(4:24 pm IST)