Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

કેશોદના ચર ગામે ડિગ્રી વિના દવાખાનું ચલાવતો વૃધ્ધ ઝબ્બે

બોગસ ડોકટર પાસેથી રૂ.ર૮ હજારનો મુદામાલ કબ્જે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૮ : કેશોદના ચર ગામે ડિગ્રી વિના દવાખાનું ચલાવતા બોગસ વૃધ્ધને પોલીસે ઝડપી લીઇ તેની પાસે દવા વગેરેનો રૂ.ર૮ હજારથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો.

કોરોના મહામારીને લઇ નકલી તબીબોનો પણ ધમધમાટ વધ્યો છે.

બોગસ ડોકટરે કોઇપણ જાતની મેડિકલ ડીગ્રી વગર દવા આપીને કાળી કમાણી કરતા છેતરવાનું બહાર આવ્યું છે.

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચર ગામે જયપ્રકાશ વલ્લભભાઇ ગોદાણા (.૬૩) નામનો વૃધ્ધ કોઇ જાતની મેડિકલ ડીગ્રી ધરાવતો હોય છતા પોતાની ડોકટર તરીકે ઓળખ આપી દવાખાનુ ચલાવી દવા આપતો હોવાની પોલીસને માહિતી મળી હતી.

બાતમીના આધારે ગત મોડી સાંજે કેશોદ પોલીસે મેડિકલ ઓફીસરને સાથે રાખી રેડ કરી હતી.

જેમાં જયપ્રકાશ ગોદાણાને ડીગ્રી વગર મેડિકલ પ્રેકટીસ કરતા ઝડપી લેવામાં આવેલ.

કેશોદના ચર ગામે રાહત પ્લોટ વિસ્તારમાં રહેતા બોગસ ડોકટર જયપ્રકાશભાઇની પાસેથી એલોપેથીક તથા આયુર્વેદિક જુદી-જુદી કંપનીની દવાઓ તેમજ ટેથોસ્કેપ અને  બ્લડ પ્રેસર માપક મીટર વગેરે મળી આવેલ.

પોલીસે કુલ રૂ. ર૮,ર૯,૪૩૪પ ની કિંમતનો મુદામાલ કબ્જે કરી વૃધ્ધ નકલી તબીબ સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પી.એસ.આઇ. એસ. એન. સોનારા ચલાવી રહ્યા છે.

(1:30 pm IST)