Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

પોરબંદર જિલ્લાની પ્રાથમિક શાળાઓને અપાયેલા બાલક્રિડાંગણના સાધનોમાં કરોડોની ગેરરીતિ

હિંચકાની કિંમત વધુ દર્શાવી : જયાં હિંચકા ફીટ કર્યા તે એક વર્ષમાં સડી ગયા : તપાસ કરીને પગલા લેવા કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાની સરકારમાં રજુઆત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૮ :  ડીસ્ટ્રીકટ મીનરલ ફંડ દ્વારા સને ર૦૧૮-ર૦૧૯ માં પ્રાથમિક શાળાઓમાં અપોલા ૭ કરોડ ૪૦ લાખના ક્રિડાંગણના સાધનોમાં થયેલ કરોડો રૂપિયાની ગેરરીતિ થયાંનો આક્ષેપ કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ કર્યો છે.

કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવેલ કે ડીસ્ટ્રીકટ મીનરલ ફંડ સ્થાનિક લેવલે ખનીજની રોયલ્ટી પેટે લેવાતા ટેક્ષમાંથી બનાવવામાં આવ્યું છે. અને આ ફંડનો ઉપયોગ મીનરલ અસરગ્રસ્ત એરીયાના ડેવલપમેન્ટ માટે વાપરવાના હોય છે. જીલ્લામાં મીનરલ અસરગ્રસ્ત ગામો તરીકે સરકારશ્રીએ ૬૪ ગામડાં લીધેલા છે.

કાટવાણા, ગોઢાણા અને પાલખડા જેવા ગામોના વિકાસ માટે  પ્રાથમિક શાળામાં ક્રિડાંગણના સાધનો માટે રા. ૭ કરોડ ૪૦ લાખ ૨૦૧૮-૨૦૧૯૦માં ફાળવવામાં આવ્યા હતા.

એક સ્કુલમાં સિમેન્ટ કોંકીટથી ફીટ કરવા બે હીંચકાઓ આપવામાં આવ્યા હતા. અને આ હિંચકાઓ પેટે રૂ.પ લાખનું ચુકવણું કરવામાં આવ્યુ હતું. હકીકતમાં સીમેન્ટ કૉકીટથી ફીક્ષ કરવામાં આવેલ હિંચકાની કિંમત ૧૦ હજાર રૂપિયાથી વધારે થતી નથી. આ હિંચકાઓનો સ્થાનિક લેવલે પણ મેનેજ થઈ જાય એટલી સામાન્ય કિંમતમાં તૈયાર થઈ જાય છે.

આ હિંચકાઓ ફટાણા કુમાર શાળા જેવી અનેક શાળાઓમાં ફીટ કરવામાં આવ્યા નથી. જિલ્લાની ઘણી બઘી શાળાઓ એવી છે કે આ પ્રકારના સીમેન્ટ કૉંકીટથી ફીક્ષ કરવામાં આવેલ હિંચકા ફીટ કરવામાં આવ્યા જ નથી અને આ કામની ગ્રાન્ટની રકમ ચાઉ કરી જવામાં આવી છે. આ ઉપરાંત અમુક સ્કુલોમાં જયાં એક બે હિંચકા ફીટ કરવામાં આવ્યા છે તે સ્કુલોમાં આ હિંચકાઓ એક વર્ષમાં સડી ગયા છે. જેથી આ કામમાં મોટી રકમનો ભષ્ટ્રાચાર થયો છે. તેમ રામદેવભાઇ મોઢવાડિયાએ જણાવેલ છે.

ડીસ્ટ્રીકટ મીનરલ ફંડ માટેની પ્રભારી મંત્રીના અધ્યક્ષ પદે કમીટી હોય છે. તેમજ આ કમિટીમાં જિલ્લા કલેટકટરની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આયોજન અધિકારીશ્રી અને ભુસ્તરશાત્રીશ્રી (નાણ ખનીજ વિભાગ) જેવા અધિકારી સહિતના સભ્યો હોય છે. આ કમીટીએ સૂચવેલા ગામોમાં જ સાધનો ફીટ કરવાના હોય છે. પરંતુ અમુક ગામોમાં તો સાધનો ફીટ થયેલા હતા એટલે જગ્યા ન હતી તેથી આ કામના કોન્ટ્રાકટરે વગર મંજુરીએ બીજા ગામમાં સાધનો ફીક્ષ કરી દીધા હતા.

આ બાબતે રામદેવભાઇ મોઢવાડીયાએ વડાપ્રધાન અને  મુખ્યમંત્રીશ્રીને આ નિવેદન દ્વારા વિનંતી કરી છે કે નાના બાળકોને રમવાના સાધનોમાં પણ મલાઈ ખાનાર લોકો વગ ધરાવે છે.  રામદેવભાઇ મોઢવાડીયાએ તટસ્થ એજન્સીઓ મારફત તપાસ કરાવીને જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહી કરવા માટે ગુજરાત સરકારને વિનંતી કરી છે.

(1:06 pm IST)