Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

જામનગર યૌન શોષણ કેસ દબાવવામાં આવી રહયાનો આક્ષેપ

ઘટનાક્રમમાં નિવેદન માટે આજે મેડિકલ કેમ્પસમાં છેલ્લી તકઃ તંત્ર એકશન મોડમાં: 'આપ'ના પ્રદેશમંત્રી પણ દોડી ગયા

જામનગરમાં યૌન શોષણ પ્રકરણમાં ધરણા, વિવિધ મહિલા સંગઠનો અને રાજકીય આગેવાનોની મુલાકાત તસ્વીરમાં નજરે પડે છે(તસ્વીરઃ કિંજલ કારસરીયાઃ જામનગર)

જામનગર, તા.૧૮: જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ના કોવિડ વિભાગમાં યૌન શોષણ ના પ્રતિક આક્ષેપ બાદ છેલ્લા ત્રણ દિવસથી આ મુદ્દો ગરમાયો છે તપાસ સમિતિની રચના કર્યા બાદ ભોગ બનનાર અને સાંયોગિક લોકોના તપાસ કમિટીએ નિવેદનો નોંધ્યા બાદ બીજા દિવસે ન્યાયની માગણી સાથે એટેનડેન્ટ દ્વારા મેડિકલ કેમ્પસમાં ધરણા કરવામાં આવ્યા છે. આ દરમ્યાન ત્યાં અમદાવાદ થી મહિલા સંગઠનોના પ્રતિનિધિઓ પણ દોડી આવ્યા હતા અને સમગ્ર મુદ્દે વાતચીત પણ કરી હતી. આ ઉપરાંત બપોર બાદ આપના પ્રદેશ મંત્રી પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.અને આ મુદ્દે હાલ રાજકારણ ગરમાયુ છે.

જામનગરની જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં મહિલા એટેનડેન્ટના યૌન શોષણ અંગેના આક્ષેપો બાદ સમગ્ર મામલાને લઈને સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા હતા અને મુખ્યમંત્રીએ આ અંગે તપાસ માટે સીધો જ કલેકટરને ફોન કરી આ મુદ્દે ત્રટસ્થ તપાસ કરી કસૂરવાર સામે કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપતા જ સમગ્ર તંત્ર એકશન મોડમાં આવી ગયું હતું. અને SDMના અધ્યક્ષતામાં એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. અને આ સમગ્ર ચર્ચાસ્પદ પ્રકરણમાં બીજા દિવસે અનેક લોકોના મોડી રાત સુધી નિવેદનો નોંધવામાં આવ્યા બાદ સતત ત્રીજા દિવસે પણ આ મુદ્દાને લઈને ભારે ગરમાવો રહ્યો હતો. અને આજે પણ મેડિકલ કેમ્પસમાં ભોગ બનનાર મહિલા અને આ સમગ્ર ઘટનાક્રમમાં નિવેદન આપવા માંગતા હોય તેવા લોકોને અંતિમ તક આપી બોલાવવામાં આવ્યા છે.

જામનગરમાં બહુ ચર્ચિત યૌન શોષણ મામલાની વાતની શરૂઆત ૧૪ જૂન, ૨૦૨૧ના રોજ કલેકટર કચેરી ખાતે જી.જી.હોસ્પિટલ ના કોવિડ વિભાગ ના હંગામી કર્મચારીઓ અચાનક જ છૂટા કરી દેતા પગાર અને અન્ય બાબતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને આ દરમિયાન જ મીડિયા સમક્ષ ઉપસ્થિત મહિલા કર્મચારીઓએ હોસ્પિટલના હંગામી કર્મચારીઓને કામે રાખતા કેટલાક લોકો સામે યોન શોષણ કરાતું હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતાં જ રાજયના મુખ્યમંત્રીએ તાત્કાલિક આ સમગ્ર મુદ્દે તપાસ માટે આદેશો કર્યા હતા આ દરમિયાન જ ખૂબ જ ગંભીર આક્ષેપો ને લઈને રાજયના ગૃહમંત્રી અનેક આરોગ્ય વિભાગ પણ સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક કસૂરવારો સામે પગલાં લેવા તમામ ડિપાર્ટમેન્ટને સૂચના આપી દેવામાં આવી હતી.

જી.જી.હોસ્પિટલમાં કથિત યોન શોષણ મુદ્દે તપાસ માટેના આદેશો મળતા જ જિલ્લા કલેકટરે તાબડતોબ પત્રકાર પરિષદ બોલાવી આ મુદ્દે તપાસ કમિટીની રચના કરી હતી જેમાં એસડીએમ આસ્થા ડાંગર, જામનગરના એ.એસ.પી નિતેષ પાંડેય અને ડેન્ટલ કોલેજના ડીન ડો. નયના પટેલની તપાસ કમિટી ને આ સમગ્ર મુદ્દે તમામ સત્તાઓ સાથે તપાસ સોંપવામાં આવી હતી. અને કસૂરવારો સામે એફ.આઈ.આર. સહિતની કાર્યવાહી માટે પણ કડક સૂચના આપવામાં આવી છે.

આ સમગ્ર મુદ્દે જીજી હોસ્પિટલ થી શરૂ થયેલ યોન શોષણ નો મુદ્દો ૧૬ જૂનના બુધવારે દિવસ દરમિયાન ચર્ચાના ચકડોળે રહ્યો હતો અને મુદ્દો હોસ્પિટલ કમ્પાઉન્ડ થી ડેન્ટલ કેમ્પસ સુધી પહોંચ્યો હતો જયાં અલગ અલગ જગ્યાએ મહિલા કર્મચારીઓ અને તેમની સામે આક્ષેપ કરાયા છે તે લોકોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા. આ નિવેદનો નોંધાયા બાદ મોડી રાત્રે સમગ્ર મુદ્દે તપાસ કમિટીના એસડીએમ આસ્થા ડાંગરે મીડિયા સમક્ષ કહ્યું હતું કે ખાસ વિડિયો રેકોર્ડિંગ સાથે ગુપ્ત રાહે તમામ નિવેદનો લેવાયા છે અને આ અંગેનો અહેવાલ જિલ્લા કલેકટરને સુપ્રત કરવામાં આવશે તેવું તેમને જણાવી તપાસ કમિટી તપાસ કરી રહી હોવાનું જણાવ્યું હતું.

જામનગરની જી.જી હોસ્પિટલના કોવિડ વિભાગમાં મહિલા કર્મચારીઓના યોન શોષણ મામલે રાજકીય અને સામાજિક આગેવાનો પણ હોસ્પિટલે દોડી ગયા હતા અને કેટલાક હંગામી કર્મચારીઓ સાથે આ સમગ્ર મુદ્દે ઘટસ્ફોટ પણ કર્યા હતા. અને હોસ્પિટલના હંગામી કર્મચારીઓના મેનેજમેન્ટ કરતા એચ આર મેનેજર અને કેટલાક સુપરવાઈઝર દ્વારા ૬૦ થી ૭૦ જેટલી યુવતીઓના શોષણ થતા હોવાના દાવા સાથે ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે આ ઉપરાંત મહિલા અગ્રણીઓ દ્વારા તપાસમાં બોલાવાયેલ હંગામી મહિલા કર્મચારીઓના નિવેદનો દરમિયાન સમગ્ર પ્રકરણને દબાવવા માં આવી રહ્યું હોય તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા અને નિવેદન બાદ યુવતીએ પણ ઉલટ તપાસ માં પ્રકરણ દબાવી ને સફેદ કરવાના પ્રયત્નો થતા હોય તેવા આક્ષેપ પણ કર્યા હતા.

જી.જી.હોસ્પિટલમાં કોવિડ વિભાગમાં હંગામી કર્મચારીઓની ભરતી અને કાર્યકાળ દરમિયાન યૌન શોષણની સમગ્ર કથિત ઘટનાને લઇને વાતાવરણ પણ ગરમાયુ છે અને આમ આદમી પાર્ટી સહિત રાજકીય અને સામાજિક લોકો પણ આ સમગ્ર દ્યટનાક્રમને લઈને યુવતીઓને ન્યાય અપાવવા મેદાને ઉતર્યા છે. અને બીજી તરફ આજે ડીન ઓફિસમાં નિવેદનો નોંધવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે.

(1:00 pm IST)