Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

હળવદના ચિત્રોડીમાં ધોધમાર વરસાદ : ઘેટા - બકરા તણાયા

એક તરફ ફલકુ નદી અને એક તરફ બ્રાહ્મણી નદી વચ્ચે આવેલ ગાર ટાપુમાં ફેરવાયું : હળવદ માર્કેટીંગ યાર્ડમાં ઘઉં, મગફળી, ધાણા પાણીમાં પલળ્યા

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૧૮: ગઈકાલે સાંજે હળવદથી ૧૮ કિલોમીટર દૂર આવેલ ચિત્રોડી ગામે આભ ફાટયું હોય તેવી સ્થિતિ વચ્ચે જોરદાર વરસાદ તૂટી પડતા પળવારમાં ગામમાં ચારે તરફ પાણી પાણીની સ્થિતિ સર્જાઈ હતી. એક તરફ ફલકું નદી અને એક તરફ બ્રાહ્મણી નદી વચ્ચે ગામ ટાપુમાં ફેરવાઇ ગયું હોય એવી સ્થિત સર્જાતા સાંજે ઘેટાં બકરા લઈને પરત ફરી રહેલા બે માલધારીના ઘેટા બકરા પણ તણાયા હતા. પરંતુ તેને બેચાવી લેવામાં આવ્યા હતા.

હળવદ તાલુકા મથકેથી ૧૮ કિલોમીટર દૂર બ્રાહ્મણી નદી અને ફલકું નદીના કાંઠે વસેલા ચિત્રોડી ગામમાં સાંજે અચાનક ધોધમાર વરસાદ તૂટી પડતા આભ ફાટયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી અને ભારે વરસાદને પગલે ગામમાં વરસાદી પાણીના ધસમસતા પ્રવાહ ચાલુ થઈ જતા સીમમાંથી પરત ફરી રહેલા કાળુભાઇ ભરવાડ અને વેલાભાઈ ભરવાડના ૨૫થી ૩૦ જેટલા ઘેટાં પાણીના પ્રવાહમાં તણાવા લાગતા ગ્રામજનોએ સમય સુચકતા વાપરી માનવ સાંકળ રચી ઘેટાં બકરા બચાવી લીધા હતા.

આશ્ચર્ય જનક બાબત તો એ છે કે, મોડી રાત સુધી તંત્ર દ્વારા કોઈ મદદ પહોંચાઈ નહોતી એમ ગ્રામજનો એ આક્ષેપ કરતા જણાવ્યું હતું. જોકે આજે સવારે આ પાણી ઓસર્યા છે તેવી માહિતી મળી રહી છે.

દરમિયાન ચિત્રોડી ગામના સરપંચ રમેશભાઈ રૂદાતલાનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, આવો વરસાદ અમે કયારેય જોયો નથી. પળવાર જ ગામમાં પાણીના પ્રવાહ વહેવા લાગ્યા હતા અને ચિત્રોડી ગામ અલગ-અલગ ત્રણ વિભાગમાં વહેચાયેલું હોય બે ગામમાં જવાનો માર્ગ પણ ભારે વરસાદમાં તૂટી જવા પામ્યો છે. રાતભર કમરડૂબ પાણી ભરાયેલ રહેલ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

ગઈકાલે સાંજેઅચાનક વાદળું વરસતા માર્કેટિંગ યાર્ડમાં જણસી વેચવા આવેલા અનેક ખેડૂતોને આર્થિક થપાટ લાગી છે, પંદરથી વીસ મિનિટ સુધી જોરદાર ઝાપટું વરસતા ખેડૂતોનો માલ રીતસર પાણીમાં તરવા લાગ્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે વહેલી સાંજના અરસામાં ભારે ઉકળાટ વચ્ચે હળવદમાં જોરદાર વરસાદી ઝાપટું વરસતા ચોતરફ પાણી - પાણી થઈ ગયું હતું અને માર્કેટિંગ યાર્ડમાં જણસ વેચવા આવેલા ખેડૂતોને આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો.

વધુમાં હળવદ માર્કેટિંગ યાર્ડમાં પતરાના શેડ પણ આવેલા છે પરંતુ ખેડૂતોની મગફળી,ધાણા અને ઘઉની ખુલ્લામાં હરરાજી થયા બાદ તોલ કરવાનો બાકી હતો તેવા સમયે જ વરસાદ ત્રાટકતા ખુલ્લામાં પડેલ મગફળી, ઘઉ અને ધાણા રીતસર પાણીમાં તરવા લાગ્યા હતા અને આ નુકશાન ખેડૂતોના શિરે આવ્યું હોવાનું જાણવા મળે છે.

(11:00 am IST)