Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ભાવનગર જીલ્લામાં અડધાથી ૪ ઈંચઃ પ્રથમ વરસાદમાં વાવણીકાર્યના શ્રીગણેશ

ગઈકાલે રાજકોટ, ધ્રોલ, કાલાવડ, બાબરા, લાઠી, ગોંડલ, જસદણ, આટકોટ, કુંકાવાવ પંથકમાં મેઘરાજાની એન્ટ્રી : સવારથી ધૂપ-છાંવ સાથે ઉકળાટ યથાવતઃ સાર્વત્રિક વરસાદની રાહઃ બપોરે ગરમીની અસર વધુ : ગોહિલવાડના ગારીયાધારમાં ૪, ભાવનગર ૩, ઉમરાળા-વલ્લભીપુર ૨, પાલીતાણા-શિહોરમાં દોઢ ઈંચ વરસાદ પડયો

પ્રથમ અને બીજી તસ્વીરમાં ભાવનગરમાં વરસાદી પાણી, ત્રીજી તસ્વીરમાં ગારીયાધારમાં વરસેલ વરસાદ, ચોથી તસ્વીરમાં ખોડલધામ-કાગવડ ખાતે વરસાદનો નજારો, પાંચમી અને છઠ્ઠી તસ્વીરમાં ગોîડલ-રાજકોટ હાઈવે ઉપર ભરૂડી ટોલનાકે અને ગોîડલમાં ધોધમાર વરસાદ પડયો હતો તે નજરે પડે છે (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર, ચિરાગ ચાવડા-ગારીયાધાર, ભાવેશ ભોજાણી-ગોંડલ)(૨-૯)

રાજકોટ, તા. ૧૮ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાનું આગમન થયુ છે અને ગઈકાલથી ધીમે ધીમે વરસાદની માત્રામાં વધારો થઈ રહ્યો છે. ગઈકાલે કોઈ જગ્યાએ ભારે તો કોઈ જગ્યાએ હળવો વરસાદ વરસ્યો હતો.

કાલે બપોર બાદ રાજકોટ, ધ્રોલ, કાલાવડ, બાબરા, લાઠી, ગોંડલ, જસદણ, આટકોટ, કુંકાવાવ પંથકમાં મેઘરાજાની એન્ટ્રી થઈ હતી અને ઝાપટાથી ૩ ઈંચ જેટલો વરસાદ પડયો હતો, જ્યારે રાત્રીના ભાવનગરમાં અડધાથી ૪ ઈંચ વરસાદ પડયો હતો.

જેમાં ભાવનગરમા ૩ ઈંચ, ગારીયાધારમાં ૪ ઈંચ, ઉમરાળા-વલ્લભીપુરમાં ૨ ઈંચ, પાલીતાણા-શિહોરમાં દોઢ ઈંચ વરસાદ પડયો હતો.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર જિલ્લામાં સીઝનનો પ્રથમ વરસાદ જ વાવણી લાયક વરસી ગયો છે. સમગ્ર જિલ્લામાં અડધાથી ચાર ઈંચ વરસાદ પડી ગયો છે. સમયસર ચોમાસુ બેસી જતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાય ગઈ છે.

ગોહિલવાડ પંથકમાં ગઈકાલે બપોર પછી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને સીઝનનો પહેલો વરસાદ અડધાથી ચાર ઈંચ પડી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતો પણ હવે વાવણી શરૂ કરી દેશે.

આજે સવારે છ વાગ્યે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ભાવનગર શહેરમાં ૭૮ મી.મી., ગારીયાધારમાં ૯૯ મી.મી., ઉમરાળામાં ૫૬ મી.મી., વલ્લભીપુરમાં ૫૦ મી.મી., પાલીતાણામાં ૩૯ મી.મી., શિહોરમાં ૩૨ મી.મી., ઘોઘામાં ૧૫ મી.મી., જેસરમાં ૧૩ મી.મી., તળાજામાં ૬ મી.મી. વરસાદ નોંધાયો છે. આજે સવારથી જ વાદળીયુ વાતાવરણ રહેવા પામ્યુ છે.

ગારીયાધાર

(ચિરાગ ચાવડા દ્વારા) ગારીયાધારઃ છેલ્લા સાત દિવસથી વરસાદી ગરમી અને અસહ્ય સૂર્યનારાયણના તાપથી સમગ્ર ગારીયાધાર મંથકની પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ હતી. જ્યારે ગારીયાધાર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના નવાગામ, ખોડવદરી, નાની વાવડી, પછેગામ, પ્રાચરયા, મેસણકા અને ગણેશગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે મેહુલીયો મનમોહીને વરસી પડયો હતો. જેમાં બે ઈંચ કરતા પણ વધારે વરસાદ ખાબકી પડયો હતો. વરસાદનો આનંદ શહેરીજનો રસ્તાઓ પર નીકળી પડયા હતા. જ્યારે ખેડૂતો આનંદમાં આવી ગયા હતા. વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં આનંદ છવાયો હતો અને ગરમીમાં રાહત મળી હતી.

ગોંડલ

ગોંડલઃ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે બપોર બાદ વરસાદ પડયો હતો. ગોંડલ શહેરમાં રાત્રીના જોરદાર વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઈ ગયુ હતું.

હળવદ

(દિપક જાની દ્વારા) હળવદઃ સવારથી જ ભારે બફારાને લીધે નગરજનો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા, ત્યારે સાંજે ૫ વાગ્યા બાદ શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થતા લોકોમાં આનંદની લાગણી છવાઈ હતી. જ્યારે ભૂલકાઓ ઍ મન ભરીને વરસાદની મોજ માણી હતી. આ ઉપરાંત તાલુકાના વિવિધ ગામોમાં પણ સારો વરસાદ પડયો હતો.

જામકંડોરણા

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણાઃ જામકંડોરણામાં ગઈકાલે સાંજના સમયે પાકા રસ્તાઓ પલળે તેવું હળવુ વરસાદી ઝાપટુ પડી ગયુ હતું, જ્યારે જામકંડોરણા તાલુકાના દડવી ગામે ધોધમાર વાવણીલાયક વરસાદ પડી ગયો હતો.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જીલ્લાના કાલાવડમાં અસહ્ય ગરમી સાથે સવારથી છવાયેલા વરસાદી માહોલ વચ્ચે બપોર બાદ મેઘરાજાનું આગમન થયુ હતુ. ૪ વાગ્યાના સુમારે વરસેલા વરસાદે પોણા બે કલાકમાં પોણા બે ઈંચ જેટલુ પાણી વરસાવી દીધુ હતું. જ્યારે તાલુકાના મોટા વડાળા પંથક સહિતના વિસ્તારોમાં પણ ઍકથી બે ઈંચ સુધીના વરસાદના વાવડ મળ્યા છે. જાડિયામાં સવારે વરસાદી ઝાપટુ વરસ્યુ હતું.

શહેરનુ આજનુ હવામાન ૩૬.૫ મહત્તમ, ૨૮.૫ લઘુત્તમ, ૮૪ ટકા વાતાવરણમાં ભેજનુ પ્રમાણ, ૧૧.૩ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી જ્યારે જાડીયામાં ૪ મી.મી., ધ્રોલમાં ૧૪ મી.મી. અને કાલાવડમાં ૪૫ મી.મી. વરસાદ પડયો હતો.

ધ્રોલ

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલઃ કાલે વહેલી સવારથી જ અતિશય ઉકળાટ અને બફારાને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. આ અતિશય ગરમીને અંતે આજે રાત્રે ૮.૩૦ વાગ્યાથી ગાજવીજ સાથે મુશળધાર વરસાદ શરૂ થયેલ. આ વરસાદ ૯.૪૦ સુધી આવતા ૩૦ મી.મી. વરસાદ પડેલ હતો. તાલુકાના ગામડાઓમાં પણ વરસાદ નોંધાયેલ છે.

વેળાવદર

વેળાવદરઃ ગારીયાધાર તાલુકાના વેળાવદર ગામ ધીમી ધારે સાંજના ૬.૪૫ વાગ્યેથી ૭.૩૦ વાગ્યા સુધી લગભગ અડધો ઈંચ વરસાદ પડતા ખેડૂતોમાં ક્યાંક ચિંતા તો ક્યાંક ખુશીનો માહોલ, જેણે વાવણી કરી દીધી છે તેને લાભ થશે અને નથી થઈ તેને કપાસ ઉગશે કે કેમ? તેની ચિંતા જાવા મળી છે.

(11:15 am IST)