Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

જૂનાગઢમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના નિરાકરણ માટે કમિશ્નર તુષાર સુમેરાની કવાયત

દરરોજ સવારે દરેક વોર્ડની સરપ્રાઈઝ વિઝીટઃ જાહેરમાં કચરો ફેંકનાર સામે દંડનીય કાર્યવાહી

જૂનાગઢ, તા. ૧૮ :. જૂનાગઢમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના નિરાકરણ માટે નવનિયુકત કમિશ્નર શ્રી તુષાર સુમેરાએ કવાયત શરૂ કરી છે.

મનપાના કમિશ્નર શ્રી સુમેરાએ અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે મહાનગર જૂનાગઢમાં ગંદકી-કચરો થાય નહિ અને તેનો યોગ્ય રીતે નિકાલ થાય તે માટે દરરોજ સવારે ૭ વાગ્યાથી સફાઈ કામ દરમ્યાન દરેક વોર્ડની સરપ્રાઈઝ વિઝીટ ગોઠવેલ છે.

શ્રી સુમેરાએ વધુમાં જણાવેલ કે આજે સવારથી વરસાદ હોય જેની શહેરમાં જ્યાં વરસાદી પાણી ભરાવાની શકયતા હોય તેવી જગ્યા-સ્થળની સવારથી મુલાકાત લઈ કાળવા વોંકળો સહિત જગ્યાએ વરસાદી પાણીનો નિકાલ સઘન રીતે તે માટેની કામગીરી આરંભી છે.

કમિશ્નર શ્રી સુમેરાએ એમ પણ જણાવેલ કે, જૂનાગઢને સાફ સુથરૂ રાખવા માટે શહેરીજનોનો સહકાર પણ આવશ્યક છે. શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન દરમ્યાન કચરો આપવામાં આવે તે જરૂરી છે. સ્વચ્છતા જળવાય રહે તે માટે નવા આયામ સાથેના ભાગરૂપે જાહેરમાં કચરો ફેંકનાર વ્યકિત સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. જેમાં રૂ. ૨૦૦ સુધીના દંડની જોગવાઈ હોવાનું શ્રી સુમેરાએ જણાવ્યુ હતુ.

જૂનાગઢને સ્વચ્છ રાખવા માટે કોર્પોરેશન તંત્રના સ્વચ્છતા અભિયાનમાં સહકાર આપવા કમિશ્નર શ્રી સુમેરાએ નગરજનોને અનુરોધ કર્યો છે.

આ મુલાકાત વેળાએ મનપાના અધિકારીઓ શ્રી નંદાણીયા, શ્રી વાઢેર, શ્રી કનેરીયા, શ્રી વાજા, શ્રી ડાંગર સહિતના જોડાયા હતા.(૨-૧૯)

(1:08 pm IST)