Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

કચ્છ જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજ બનાવવા રાજય સરકાર સક્રિય : મંત્રીશ્રી આહિર

ભુજ તા ૧૮ : સમગ્ર કચ્છ જિલ્લામાંથી વિવિધ ખેત પેદાશો દેશ-વિદેશમાં નિકાસ કરવામાં આવે છે, તે જિલ્લાના તમામ ખેડુતો માટે ગોૈરવની વાત છે તેમ જણાવી રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે કચ્છ જિલ્લામાં ખેડુતોના ઉત્પાદનની સાચવણી માટે કોલ્ડ સ્ટોરેજ માટે પણ વિશેષ પ્રયાસો કરાઇ રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું. અંજાર તાલુકાના ખંભરા મુકામે આયોજિત જિલ્લા કક્ષાના ૧૫માં કૃષિ મહોત્સવમાં અધ્યક્ષીય સંબોધન કરતા વાસણભાઇ આહીરે વધુમાં ઉમેર્યુ હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્ન હાલની ગુજરાતની સંવેદનશીલ સરકારશ્રી વિજયભાઇ રૂપાણીના નેજા તળે સમગ્ર રાજયમાં ખેડુતોની આવક ડબલ કરવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરાઇ રહયા છે.

જિલ્લા કક્ષાના કૃષિ મહોત્સવને સંબોધતા રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યુંહતું કે, જિલ્લામાં ડાર્કઝોનમાં રહેલા તાલુકાઓમાં ભૂતળ ઊંચા લાવીને ડાર્કઝોનમાંથી મુકતી અપાવીને રાજય સરકારે વીજ કનેકશન આપીને જગતના તાત માટે અનેક વિધવિધ કાર્યો કરીને ખેતીના સ્તરને પણ ઊંચુ લાવ્યું હોવાનું જણાવ્યું હતું. શ્રી આહીરે જીલ્લામાં સજીવ ખેતી કરી રહેલા ખેડુતોમાંથી પ્રેરણા લઇ અન્ય ખેડુતો પણ આ તરફ વળે તેમાટે અનુરોધ કર્યો હતો.

સરકાર દ્વારા કિશાન ઇનપુટ સહાય યોજના હેઠળ ૧૧૪૬ કરોડ રૂપિયા સમગ્ર ગુજરાત રાજયના ખેડુતો માટે ફાળવાયા છે, જેમાંથી સોૈથી વધુ ૨૪૭ કરોડ જેટલી માતબર રકમ ફકત કચ્છ જિલ્લા માટે ફાળવાઇ છે, તે માટે સરકારનો આભાર માન્યો હતો. કાર્યક્રમના આરંભે શ્રી આહીરે કૃષિ મહોત્સવ અંતર્ગત એકઝીબિશન કમ સેલ માટે ઉભા કરાયેલા સ્ટોલની મુલાકાત લઇ જાત માહીતી મેળવી હતી અને ખેડુતોને પણ આ સ્ટોલની મુલાકાત લઇને ખેતીને વધુ આધુનીક પદ્ધતિ અપનાવવા પર ભાર મુકયો હતો.

ગાંધીધામ મતવિસ્તારના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરીએ ખેડુતોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લઇને ખેતીમાં વધુ આગળ વધવા અપીલ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ દુષ્કાળના કપરા કાળમાં જિલ્લામાં ૨૫૦ કરોડ રૂપિયા ગ્રાન્ટ ફાળવાઇ હોવાનું જણાવ્યું હતું, તેમજ પાક વિમા યોજના હેઠળ પણ ખેડુતોને અનેક લાભો મળ્યા હોવાની આંકડાકિય વિગતો રજુ કરી હતી. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જીવાભાઇ આહીરે જણાવ્યું હતું કે અછતની ભયંકર પરિસ્થિતીમાં જિલ્લામાં એક પણ પશુનું મોત ન થયું હોવાનુ જણાવ્યું હતું.

કૃષિ મહોત્સવ પ્રસંગે જિલ્લાના ૩ ખેડુતોને હાલમાં જ રાજયના નાયબમુખ્યમંત્રીશ્રીના હસ્તે સરદાર કૃષિ સંશોધન પુરસ્કાર અપાયો હતો. ખંભરા ગામના કિશોરભાઇ કાન્તીભાઇ પરમારને રાજયમંત્રીના હસ્તે એવોર્ડ આપી સન્માન પત્ર, શાલ,શીલ્ડ તેમજ પ૦,૦૦૦ રૂપિયાનો ચેક  અર્પણ કરી સન્માનીત કરવામાં આવ્યા હતા. વધુમાં જિલ્લા તેમજ તાલુકા કક્ષાનો આત્મા એવોર્ડ પણ પ્રગતિશીલ ખેડુતોનેે અર્પણ કરવામાં આવ્યા હતા.

ખેડુતોને સેમિનારમાં માર્ગદર્શન આપવા માટે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના અધ્યાપક શીવરાજ સીંગ, સાસશ્વત યોગીક ખેતીના ગીતા દીદી, ડો. બી.આર. નાકરાણી, પ્રગતિશીલ ખેડુત કિશોરભાઇ પરમાર, મગનભાઇ આહીર, અજયભાઇ ટાંક, નાયબ નિયામક ખેતી (તાલીમ) કિરણસિંહ વાઘેલા, સહિત અન્યોએ ખેડુતોને શિબિરમાં ખેતી તેમજ સરકારી વિવિધ યોજનાઓ અંગે માહીતી આપી હતી.

ખેડુતોના માર્ગદર્શન માટે આયોજિત સેમિનારમાં પ્રગતિશીલ ખેડુત મગનભાઇ આહીરે જણાવ્યું હતું કે મારા જેવા સામાન્ય ખેડુતને સરદાર પટેલ સંશોધન એવોર્ડ આપીને સાબીત કર્યુ કે, રાજયમાં ખેડુતની પણ યોગ્ય કદર કરવામાં આવે છે. ઉપરાંત તેમણે તમામ ખેડુતોને પોતાના અનુભવોના આધારે સજીવખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ખેતીવાડી અધિકારી શિહોરાએ શાબ્દીક સ્વાગત કર્યા બાદ ખંભરા ગામની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરી મહેમાનોને આવકાર આપ્યો હતો.

આ પ્રસંગે અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ ગોવિંદભાઇ આહીર, અગ્રણી મ્યાજરભાઇ આહીર, જમીન વિકાસબેંકના માદેવાભાઇ આહીર, નીખીલભાઇ સોરઠીયા, દેવજીભાઇ સોરઠીયા, ગોપાલભાઇ આહીર, જે.પી. ગુપ્તા, ખરીદ વેચાણ સંઘના ત્રિકમભાઇ આહીર, નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી અંજાર ડો. વિમલ જોષી, જિલ્લા પશુપાલન અધિકારી બ્રહ્મક્ષત્રિય સાહેબ, વેલાભાઇ આહીર, રાઘુભાઇ મકવાણા, કલ્યાણભાઇ, બીપીનભાઇ, ગાંધીધામ તેમજ અંજાર તાલુકા પંચાયતના સદસ્યો સહીત મોટી સંખ્યામાં ખેડુતોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

(11:33 am IST)