Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

જોડિયામાં પૂ. ભોલેબાબાજીની ૩૩મી પુણ્યતિથી અંતર્ગત રાત્રે સંતવાણીઃ કાલે ભંડારો

જોડીયાધામ તા. ૧૮: જામનગર જિલ્લાના જોડીયા ધામમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટીર ''રામવાડી'' આશ્રમ ખાતે ઉદાસીન આચાર્યદેવ ૧૧૦૮ જગતગુરૂ શ્રી ચંન્દ્ર ભગવાન એવમ્ શ્રી જયોતી સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજ દાદા તેમજ ૧૦૦૮ પૂજયપાદ સદગુરૂદેવ શ્રી ભોલેબાબાજીની કૃપાથી ''ભોલેબાબા સેવક સમુદાય'' દ્વારા પૂ. પાદ સંત શ્રી ભોલેબાબાજીની (૩૩મી) પૂણ્યતીથી મહોત્સવ ઉજવાશે.

આજે સાંજના ૪-૦૦ થી ૭-૦૦ દરમ્યાન ભાવિક-ભકતજનો દ્વારા સામુહીકમાં સંગીતમય ''સુંદરકાંડ''ના પાઠ-ધૂન-સંકિર્તન તેમજ દીપમાળાની મહાઆરતી થશે તેમજ આજરોજ તા. ૧૮મીના રાત્રીના ૯-૩૦ કલાકે ''સંતવાણી-ભજન''નો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે જેમાં સૌરાષ્ટ્રના પ્રસિધ્ધ કલાકારઃ શ્રી વિપુલભાઇ પટેલ (ભજનકી) બેબી મીતલ (ભજનના આરાધક) શ્રી મનસુખભાઇ વસૌયા (લોક સાહિત્યકાર) તથા સંગીતના સાથીદારો રંગત જમાવશે.

આ ઉપરાંત પૂ. સદ્દગુરૂદેવ શ્રી ભોલેબાબાજીની (૩૩મી) પૂણ્યતિથિના પાન પ્રસંગે તા. ૧૯ મીએ બુધવારના રોજ બપોરના ૧ર-૦૦ કલાકે પૂ. બાબાજીના મંદિરમાં ઢોલ, નગારા અને શંખોદ્વારાથી મહાઆરતી કરવામાં આવશે. તેમજ બપોરના ૧ર-૦૦ કલાકે ''પૂ. બાબાજીનો દિવ્ય ભંડારો (મહાપ્રસાદ) રાખેલ છે તેમજ સાંજના પ-૦૦ વાગ્યાથી જોડીયા ગામ ધૂવાણાબંધ જમણવાર (મહાપ્રસાદ) નું સાથો સાથ આયોજન કરવામાં આવેલ છે. પૂ. બાબાજીની પૂણ્યતીથી મહોત્સવમાં પ્રતિ વર્ષ અનેક જગ્યાઓમાંથી સંતો-મહંતો પધારે છે તેમજ જોડીયા તાલુકાના દરેક આશ્રમોના સંતો પધારે છે આ ઉપરાંત ગીર પંથકમાંથી મહાત્માઓ અચુક પધારે છે. તેમજ રમતા રામ મહાત્માઓ પણ પૂ. બાબાજીના ભંડારા પ્રસંગે પધારે છે સાધુ-સંતોની ભજનની મંડળી ભંડારાના દિવસે દેશી ભજનોની રંગત જમાવે છે. ''રામવાડી''માં બે દિવ્ય ધાર્મિક માહોલ સર્જાય છે ભાવિક-ભકતજનો આ પ્રસંગે ભજન-ભોજન અને સંત દર્શન-સત્સંગનો અમૂલ્ય લ્હાવો મળે છે. હર હર મહાદેવ... અને ''જય ભોલેબાબા'' ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠે છે.

આ પ્રસંગે પૂ. બાબાજીનો વિશાળ સેવક સમુદાય ઉમટી પડશે તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રામવાડી ગૃપના દરેક યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ હર્ષદ વડેરાએ જણાવેલ છે. રામવાડીના વિશાળ પટાંગણમાં વિશાળ સમીયાણો ઉભો કરવામાં આવેલ છે તેમજ મંદિરોને લાઇટ ડેકોરેશનથી પુષ્પહારોથી શુશોભીતચ કરેલ છે.

પૂ. બાબાજીના ભંડારા પ્રસંગે પધારેલા સંતોની દેખરેખ પૂ. મહંત શ્રી હરીાદસજી બાપુ કરી રહ્યા છે. રામવાડીમાં ધાર્મિક માહોલ સર્જાયેલ છે. આ દિવ્ય પાવન પૂણ્યશાળી અવસરમાં સર્વે ભાવિક-ભકતજનોને પધારવા ''ભોલેબાબા સેવક સમુદાય'' વતી જોડીયા રામવાડીના સેવક શનીભાઇ વડેરા-મહેશ વડેરાની યાદીમાં જણાવાયું છે.

(11:24 am IST)