Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ખનીજ માફીયાઓ સામે કાર્યવાહીની માંગ સાથે અમરેલી જિલ્લાના ૧૦ ગામોના સરપંચ સહિત પ૦૦ ખેડુતો દ્વારા ટ્રેકટર રેલીઃ પોલીસે કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો

અમરેલીઃ અમરેલી જિલ્લામાં વધતા જતા ખનીજ, જમીન ખનન માફિયાની ગુંડાગીરીના વિરોધમાં સોમવારે સવારે ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી હતી. ખનીજ માફિયાઓ ઉપર લગામ લાવવા માટે 10 ગામોના સરપંચ સહિત 500 ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી હતી.

કરજાળા ગામથી અમરેલી સુધી આ રેલી કાઢવામાં આવી હતી. સવારે શરૂ થયેલી આ રેલી 20 કિલોમિટરનું અંતર કાપીને અમરેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. જ્યાં ખેડૂત આગેવાનોએ કલેક્ટર સાહેબને સમગ્ર હકીકતની જાણ કરી હતી.

સ્થાનિક ખેડૂતે અમરેલી કલેક્ટરને જણાવ્યું હતું કે, આજુબાજુના ગામમાં ખનન માફિયાઓ દ્વારા કામ ચાલે છે. અને અવારનવાર ગામ લોકો દ્વારા તેમને અટકાવવામાં આવ્યા છે. એક બે કિસ્સામાં તો એ લોકોનો મુદ્દામાલ જપ્ત કરીને સાવરકુંડલા પોલીસને સુપરત કર્યો હતો. છતાં આ વસ્તુ બંધ થઇ નથી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે અમરેલી કલેક્ટર કચેરી બહાર ખેડૂતો ધરણા પર બેઠા છે. આ ઉપરાંત અમરેલી કલેક્ટર કરેચી બહાર ખેડૂતોરેતી માફિયાની ગુંડાગીરી બંધ કરો બંધ કરો, જમીન ખનન માફિયાની ગુંડાગીરી બંધકરો બંધ કરો, પોલીસ અને જમીન માફિયાનો પર્દાફાશ વગેરે જેવા સુત્રોચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.

(6:49 pm IST)