Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

માણાવદરનાં ચુડવામાં પોલીસના વર્તનના વિરોધમાં ખાત્રી મળતા ગામ ખુલ્યુ

 માણાવદર તા. ૧૮ :.. તાલુકાનાં ચુડવા ગ્રામજનોએ ગઇકાલે તા. ૧૬-૬-ર૦૧૮ ના રોજ પીએસઆઇ ત્થા સાથે ના કર્મીઓએ દબંગગીરી કરી હોવાના આક્ષેપ સાથે એક લેખિત આવેદન પત્ર કલેકટરશ્રી ત્થા એસ. પી. જૂનાગઢને આપતાં ચકચાર મચી જવા પામી છે.

આવેદન પત્રમાં લખેલ વિગતો અનુસાર ક્ષત્રીય સમાજના ઘરમાં  ગણવેશ વિના ઘુસી જઇ ઓજલમાં રહેતી મહિલાઓ સામે ખરાબ વર્તન કરેલ તથા પુષ્પાબા મહાવીરસિંહ ઝાલા (ઉ.પપ) નામના મહિલાના લમણે પીસ્તોલ રાખી વૃધ્ધ માતાને પીસ્તોલના ધોકા મારી ઢીકાપાટુનો માર લાતોનો માર મારેલ તેના દિકરાના ટાંગા ભાંગી નાખીશું હાથમાં આવી જાય તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની આવેદન પત્રમાં વિગતો લખી છે.

ચુડવા સમસ્ત ગ્રામજનોએ કલેકટર શ્રી તથા એસ. પી.ને આવેદન પત્રમાં વધુમાં જણાવેલ કે તાત્કાલીક ધોરણે બદલી કરવામાં નહિ આવે તો અનિશ્ચીત મુદત ગામ બંધ રાખવાનું જણાવેલ છે. જવાબદારો સામે એફ. આઇ. આર. દાખલ કરવા માંગ કરી છે.

બીજી તરફ માણાવદર પીએસઆઇ એ ચૂડવાના ચાર શખ્સો વિરૂદ્ધ માણાવદર પો.સ્ટેશનમાં એફઆઇઆર કરી જેમાં ફરજ રૂકાવટ, જાનથી મારી નાખવાની ધમકી તથા એટ્રોસીટી સહિતની વિગતો સામેવાળા વિરૂદ્ધ કરી છે. જેમાં પુષ્પાબા, પ્રહલાદસિંહ ઝાલા, પ્રાર્થ ઝાલા તથા એક અજાણ્યા શખ્સ વિરૂદ્ધ એફઆઇઆરમાં નોંધ કરી છે.

ગ્રામજનોએ આ બનાવ સંદર્ભે સવારથી જડબેસલાક ગામ બંધ રાખી આવેદનપત્ર જુનાગઢ આપ્યું હતું. ત્યાર બાદ ઉચ્ચ પોલીસ અધિકારીએ ખાત્રી આપતા આજે બીજા દિવસે ગામ ખુલ્લી ગયું છે.

(3:32 pm IST)