Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

પોલીસ દ્વારા પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરતી વેળાએ

ગોંડલમાં દારૂની બોટલની ચોરી કરનાર ત્રણ શખ્સો પકડાયાઃ એકની શોધખોળ

ભાવેશ ટોળીયા, ચકા બગડા તથા મહેશ મકવાણાની ધરપકડ

તસ્વીરમાં દારૂની બોટલની ચોરી કરતા શખ્સો નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી, ગોંડલ)

 

ગોંડલ તા.૧૮ ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર ગોંડલ તાલુકા પોલીસ તેમજ વિરપુર પોલીસ દ્વારા વિદેશી દારૂનો જથ્થો નાશ કરતીવેળાએ દારૂની બોટલની ચોરી કરનાર ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વોરાકોટડા રોડ પર ગત તારીખ ૧૩ જુનના સવારના સુમારે ગોંડલ તાલુકા પોલીસ તેમજ વીરપુર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ દારૂના જથ્થાના નાશ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી આ તકે પ્રાંતઅધિકારી રાયજાદા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા તે દરમિયાન અધિકારીઓ અને પોલીસની નજર ચુકવી મુકેશ ઉર્ફે ડીગો વેલાભાઇ મકવાણા રહે વિરપુર, ભાવેશ ટોડીયા રહે જામવાળી, અશ્વિન ઉર્ફે ચકો રામજી બગડા રહે વોરાકોટડા તેમજ એક અજાણ્યા શખ્સ દ્વારા વિદેશી દારૂની બોટલ ચોરી કરવામાં આવી હતી જે અંગેની જાણ વિરપુર પોલીસને થતા આજરોજ વિરપુર પોલીસ સ્ટેશનના ઇન્સપેકટર આર.ડી. ચોૈહાણ દ્વારા ગોંડલ પોલીસ મથકમાં દારૂની બોટલો ચોરી અંગે ફરીયાદ નોંધવામાં આવી છે.

પોલીસ અને સરકારી તંત્ર દ્વારા વિદેશી દારૂના વિપુલ જથ્થા પર બુલડોઝર ફેરવવામાં આવી રહયું હતું ત્યારે કેટલાક પ્યાસીઓને પણ ત્યાં હાજરી હતી અને અધિકારીઓની નજર ચુકવી દારૂની બોટલો ચોરી કરવામાં આવતી હોય જે અંગેની વિઝયુઅલ ઇલેકટ્રોનીક મિડીયા અને સોશ્યિલ મિડીયામાં પ્રસિધ્ધ થવા લાગતા આખરે જિલ્લા પોલીસ તંત્ર હચમચી ઉઠયું હતું અને ફરીયાદ કરી હતી.

દરમિયાન ગોંડલ પોલીસે દારૂની બોટલ ચોરી કરનાર આરોપી ભાવેશ હરીભાઇ ટોડીયા રે. જામવાડી, ચકા રામજી બગડા રે. વોરાકોટડા રોડ ગોંડલ તથા મહેશ મેલાજી મકવાણા રે. વિરપુર ને ઝડપી લઇ ધરપકડ કરી હતી. જયારે અન્ય એક શખ્સની શોધખોળ હાથ ધરાઇ છે. (૧.૭)

(11:56 am IST)