Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

પડધરીના ખાખરાબેલાનાં અજીતસિંહ જાડેજા બે લાખની લેતી-દેતીમાં વચ્ચે પડતા હત્યા કરાઈ'તીઃ આરોપી જગદીશસિંહની ધરપકડઃ બે દિવસના રીમાન્ડ પર

સાણંદની પાર્ટીને જમીન લેવાની છે અને સારૂ કમિશન મળશે તેવા બહાને અજીતસિંહને વાડીએ બોલાવી લોખંડના એંગલ અને છરીના ઘા ઝીંકી દીધા'તાઃ ઓરીપી જગદીશસિંહએ તેની અને તેના નાના ભાઈની ખેતીની જમીન જામનગરના દિલીપસિંહ ચુડાસમાને રૂ. બે લાખમાં વાવવા આપી'તી, આ જમીન વચેટ ભાઈ કિશોરસિંહ વાવવા માંગતા હોય દિલીપસિંહે આપેલ બે લાખ રૂપિયા મધ્યસ્થી તરીકે અજીતસિંહે કબુલ્યા હતા પણ રૂપિયા ન આપતા પૂર્વયોજીત કાવત્રુ રચી ઢીમ ઢાળી દીધું

રાજકોટ, તા. ૧૮ :. પડધરીના ખાખરાબેલા-૧ ગામની વાડીમાં ગરાસીયા આધેડ અજીતસિંહ જાડેજાની હત્યા કરનાર જગદીશસિંહ જાડેજાને રૂરલ એલસીબીએ ઝડપી લઈ પડધરી પોલીસને હવાલે કરતા પડધરી પોલીસે આરોપીના બે દિ'ના રીમાન્ડ મેળવી પૂછતાછ કરતા ચોંકાવનારી વિગતો ખુલી હતી. બે લાખની લેતી-દેતીમા વચ્ચે પડતા અજીતસિંહની હત્યા કરાઈ હોવાનું ખુલ્યુ છે.

પ્રાપ્ત વિગતો મુજબ પડધરીના ખાખરાબેલા-૬ ગામે રહેતા અજીતસિંહ હરીસિંહ જાડેજા (ઉ.વ.પપ)ની ગત તા. ૧૨ના રોજ ખાખરાબેલા-૧ ગામે આવેલ જગદીશસિંહ શાંતુભા જાડેજાની વાડીમાંથી હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. આ હત્યા જગદીશસિંહ જાડેજાએ કરી હોવાનુ ખુલતા મૃતકના પુત્ર ચંદ્રસિંહે પડધરી પોલીસમાં ફરીયાદ કરતા પડધરી પોલીસે હત્યાનો ગુન્હો દાખલ કરી આરોપી જગદીશસિંહને શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો.

દરમિયાન આ હત્યા કેસમાં સંડોવાયેલ જગદીશસિંહ ઉર્ફે જગુભા શાંતુભા જાડેજા રહે. ગાયત્રીધામ સોસાયટી શેરી નં. ૨ રાજકોટ ખંઢેરી ગામ પાસે હોવાની બાતમી મળતા રૂરલ એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ. જે.એમ. ચાવડા તથા પીએસઆઈ બી.એન. ચૌધરી સહિતના સ્ટાફે વોચ ગોઠવી જગદીશસિંહને ઝડપી લઈ પડધરી પોલીસના હવાલે કર્યા હતા. પડધરી પોલીસે પકડાયેલ જગદીશસિંહને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે બે દિ'ના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો.

પોલીસ પૂછતાછમાં પકડાયેલ જગદીશસિંહે એવી કેફીયત આપી હતી કે, પોતાની અને તેના ભાઈની જમીન જામનગરના દિલીપસિંહ ચુડાસમાને બે લાખ રૂપિયામાં ઉધડી વાવવા આપી હતી. આ જમીન જગદીશસિંહના વચેટ ભાઈ કિશોરસિંહ વાવવા માંગતા હોય હત્યાનો ભોગ બનનાર અજીતસિંહ જાડેજા મધ્યસ્થી બન્યા હતા. જગદીશસિંહ અને તેના ભાઈ કિશોરસિંહ વચ્ચે અબોલા હોય અજીતસિંહે બે લાખ રૂપિયા પોતે આપશે અને આ રૂપિયા જગદીશસિંહ દિલીપસિંહને આપી દઈ જમીન કિશોરસિંહને વાવવા આપે તેવું અઢી મહિના પહેલા પડધરી ખાતે મળેલ મીટીંગમાં નક્કી થયુ હતું, પરંતુ અજીતસિંહ બે લાખ રૂપિયા આપવામા ગલ્લાતલ્લા કરતા જગદીશસિંહ ગિન્નાયા હતા અને પૂર્વયોજીત કાવત્રુ રચી ખાખરાબેલામાં આવેલ નાનામવાના જયદીપસિંહની ૬૦ વિઘા જમીન સાણંદની પાર્ટીને લેવાની છે અને તેમા સારૂ કમીશન મળશે તેવી લાલચ આપી અજીતસિંહને વાડીએ બોલાવ્યા હતા.

બનાવના દિવસે સાંજે ૭.૩૦ વાગ્યે હત્યાનો ભોગ બનનાર અજીતસિંહ જગદીશસિંહની વાડીએ ગયા હતા અને બન્ને વચ્ચે જમીન વેચાણ અંગે વાત થઈ હતી. જો કે જે જમીન વેચવાની હતી તે જમીનના માલિક નાનામવાના જયદીપસિંહને કોઈ જાણ પણ ન હતી. આ મીટીંગમાં જગુભાએ અજીતસિંહને 'તમે બે લાખ રૂપિયા આપવાના હતા તે કયારે આપો છો?' તેવુ કહેતા અજીતસિંહ આ મામલો તમારા બન્ને ભાઈઓનો છે, તમે જ સમજો.. તેવુ કહેતા જગુભા સમસમી ગયો હતો. આ દરમિયાન હત્યાનો ભોગ બનનાર અજીતસિંહના ફોન પર ગોંડલ સ્થિત તેની પુત્રીનો ફોન આવ્યો હતો. આ ફોન પુરો થતા જ જગદીશસિંહ લોખંડના એંગલ સાથે તૂટી પડયો હતો. જો કે તેમ છતા અજીતસિંહ જીવીત હોવાનું જાણતા વાડીએ પડેલ છરીના સાત ઘા ઝીંકી દીધા હતા અને બાદમાં પોતે બાઈક લઈને નાસી છૂટયો હતો. પડધરી પોલીસે હત્યામાં વપરાયેલ લોખંડનુ એંગલ તથા બાઈક કબ્જે કરેલ છે અને હત્યા બાદ છરી તળાવમાં ફેંકી દીધી હોય તે કબ્જે કરવા તજવીજ હાથ ધરી છે.(૨-૫)

(11:50 am IST)