Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ભાણવડ નજીક બોલેરોએ ગાડાને મારી ઠોકર : બાળકનું કરૂણ મૃત્‍યુ

જામ ખંભાળિયા, તા. ૧૮ : ભાણવડ તાલુકાના વાનાવડ ગામે રહેતા માવજીભાઈ દાનાભાઈ વાઘેલા નામના ૩૫ વર્ષીય યુવાન તેમના બળદગાડામાં તેમના બાર વર્ષીય પુત્ર મયુર તથા ચીમનભાઈ સાદીયાને સાથે લઈને જઈ હતા, ત્‍યારે રાત્રીના  જી.જે. ૧૦ વાય ૪૧૨૪ નંબરના બોલેરો પીક અપ વાનના ચાલકે માવજીભાઈના બળદગાડાને પાછળથી ઠોકર મારી હતી.

 આ ટક્કરમાં બળદ ગાડામાં બેઠેલો બાર વર્ષીય માસૂમ બાળક મયુર ફેંકાઈ જતાં તેને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું કરૂણ મળત્‍યુ નિપજયુ હતું. આ ઉપરાંત બળદગાડામાં જઈ રહેલા ચીમનભાઈ તથા માવજીભાઈને પણ નાની-મોટી ઈજાઓ સાથે સ્‍થાનિક હોસ્‍પિટલમાં સારવાર અપાઇ હતી. અકસ્‍માત સર્જી, આરોપી બોલેરો ચાલક પોતાનું વાહન મૂકીને નાસી છૂટયો હોવાનું જાહેર થયું છે. આગળની તપાસ પી.એસ.આઈ. આર.એ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે. આ કરૂણ બનાવે મળતક બાળકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.

ડાંગરવડ ગામે   ચાર જુગારીઓ ઝડપાયા

 કલ્‍યાણપુર તાબેના ડાંગરવડ ગામની વાડી વિસ્‍તારમાં રહેતા વેજા ઉર્ફે ભગત રામદે ઓડેદરા નામના ૪૦ વર્ષીય શખ્‍સ દ્વારા પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી અને પોતાના કબજાની વાડીમાં આવેલા મકાન ધમધમતા જુગારના અખાડા પર સ્‍થાનિક પોલીસે દરોડો પાડયો હતો.

આ સ્‍થળેથી પોલીસે વેજા ઉર્ફે ભગત ઓડેદરા સાથે ભીમા ઉર્ફે ધીરુ નાથા મોઢવાડિયા, વિજય ઉર્ફે વેજા મુરૂ ઓડેદરા અને કાના હરદાસ ગામી ગામના કુલ ચાર શખ્‍સોને ઝડપી લીધા હતા.

 પકડાયેલા શખ્‍સો પાસેથી પોલીસે રૂપિયા ૫૦,૮૦૦ રોકડા તથા રૂપિયા ૨૩,૫૦૦ ની કિંમતના ચાર નંગ મોબાઇલ ફોન મળી   ૭૪,૩૫૦ નો મુદ્દામાલ કબજે કરી, કાર્યવાહી કરી હતી. 

(1:28 pm IST)