Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

સુરેન્‍દ્રનગરના ગઢડામાં ખનીજ ચોરીઅટકાવવા મહિલા સરપંચની કલેકટરને રજૂઆત

(ફઝલ ચોેહાણ)  વઢવાણઃ મૂળીના ગઢડા ગામે સફેદ માટી અને કોલસાની ખાણો કાર્યરત છે. ભૂમાફિયાઓ દ્વારા ગોેચર અને સરકારી ખરાબાની જમીન પર બેફામ જમીન ખોદવામાં આવે છે.જે અંગે ગઢડાના મહિલા સરપંચ દ્વારા કલેકટર ને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

વિસ્‍તારમાં દરરોજ સફેદ માટીના ડમ્‍પરો ૬૦ ટન ભરી મોરબી તરફ જાય છે. ઊપરાંત ૨૦૦ ટ્રકના ફેરા થાય છે.સરકારને રોયલ્‍ટી પેટે કરોડની નુકસાની થાય છે.કોલસાની ખાણોમાં મોટા પ્રમાણમાં વિસ્‍ફોટક તરીકે જીલેટોનનો ઉપયોગ કરવામાં આવે છે. જેની ૫ કિમી સુધી ધ્રુજારી અનુભવાતી હોવાથી મકાનોમાં તિરાડ તથા ખેડુતોના પાણીના ટાંકા તૂટવા,બોર બુરાઇ જવાની સમસ્‍યાઓ વધી છે.પાણીના વહેણ બદલાઇ જવાથી ખેતરોમાં પાણી ફરી વળે છે. ઉપરાંત ખાણમાં મોટા પ્રમાણમાં વીજચોરી  થતી હોવાની રજૂઆત કરવામાં આવી છે.

૧૨૦ ફુટ ઊંડી કોલસાની ખાણોમાં પશુ પડી જાય છે. બેફામ ખોદકામ થવાથી પશુનું ચરીયાણ બંધ થયુ છે. જે અંગે તંત્ર દ્વારા કોઇ પગલા લેવાયા નથી તો તંત્ર ઝડપથી કાયદેસરની કાર્યવાહી કરે તેવી રજૂઆત થઇ છે.

(12:10 pm IST)