Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

શ્રી સોમનાથ મહાદેવના આશિર્વાદથી વાવાઝોડાની મુસીબતમાંથી ઉગર્યાઃ દેશ-વિદેશના કરોડો શ્રદ્ધાળુઓની અસ્થા ફરી ઍક વખત ફળી

વેરાવળ: તૌકતે વાવાઝોડાની સમગ્ર ગુજરાતમાં અસર જોવા મળી રહી છે. અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. તો કેટલીક જગ્યાઓ પર વૃક્ષ ધરાશાયી થયા છે તો ક્યાંક વીઝ થાંભલા ધરાશાયી થયા છે. અનેક જગ્યાઓ પર રોડ બ્લોક થઈ ગયા છે. પરંતુ કહેવાય છે ને કુદરત આગળ કોઈનું ચાલતું નથી. એવું કંઇક સોમનાથ મંદિરે થયું છે.

વાવાઝોડું તૌકતેની સોમનાથ અને વેરાવળમાં નહીવત અસર જોવા મળી રહી છે. સોમનાથ મંદિરના ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, સોમનાથ દાદાની અમી નજર ફી એકવાર જોવા મળી છે. તેમજ દેશ વિદેશના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા ફરી એકવાર સાબિત થઈ છે. જેના કારણે અતિ ભારે પવન વચ્ચે પણ સોમનાથ મંદિરની ધજા-ત્રિશુલ અડીખમ જોવા મળી રહ્યું છે. અતિ ભારે વાવાઝોડા વચ્ચે પણ સોમનાથ મંદિરની એકેય મિલકતને નુકસાન થયું નથી.

ઉલ્લેખનીય છે કે, ભારતીય હવામાન ખાતા દ્વારા સિવિયર સાયક્લોન સ્ટ્રોમ તૌકતે સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે, તે મુજબ સ્ટ્રોમ આજે રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તાર ઉપર કેન્દ્રિત થયેલું છે, જે અમદાવાદથી દક્ષિણપશ્ચિમે 210 કિ.મી., દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં સુરેન્દ્રનગરથી 130 કિલોમીટર જયારે અમરેલીથી પૂર્વે 10 કિલોમીટરના અંતરે સ્થિત છે.

તૌકતે વાવાઝોડું ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં છેલ્લા કલાકથી 10 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની તેના કેન્દ્ર પાસે પવનની ગતિ 105 થી 115  કિ.મી./કલાક રહેશે,  ઝડપ 125 કિ.મી./કલાક સુધી વધી શકે છે.

(4:17 pm IST)