Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

જામનગર જિલ્લા જેલમાંથી સાદી કેદના ૧૯ તથા સામાન્‍ય ગુન્‍હાના ૧૩ કેદીઓને વચગાળાના જામીન પરમુક્‍ત કરાયા

જામનગર,તા.૧૮ : હાલમાં સમગ્ર વિશ્વ તથા ભારત દેશમાં કોવિડ-૧૯ કોરોના વાયરસની મહામારીનો વ્‍યાપ વધ્‍યો છે. જેની ગંભીર અસર ગુજરાત રાજ્‍યમાં પણ વર્તાઇ રહેલ છે. જે અંતર્ગત સુપ્રિમ કોર્ટ સુઓ મોટો રીટ પીટીશન અન્‍વયે હાઇ પાવર કમીટી (H.P.C.) દ્વારા તા.૧૨/૦૫/૨૦૨૧ના રોજ લેવાયેલ નિર્ણય દ્વારા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જામનગર તથા દેવભૂમિ દ્વારકા તથા સંબંધીત કોર્ટ અને અધિક્ષકશ્રી જામનગર જિલ્લા જેલના સહિયારા પ્રયાસથી જામનગર જિલ્લા જેલમાં રહેલ સી.આર.પી.સી. કલમ-૧૨૫ હેઠળ સાદી કેદની સજા પામેલ ભરણપોષણના ૧૯ કેદીઓ તથા માઇનોર ગુન્‍હાના કાચા કામના ૧૩ આરોપીઓ મળી કુલ ૩૨ કેદીઓને વચગાળાના જામીન પર મુક્‍ત કરવામાં આવેલ છે.

જેલ મુક્‍ત થતા તમામ ૩૨ કેદીઓનુ જેલના મેડીકલ ઓફીસરશ્રી દ્વારા હેલ્‍થ સ્‍ક્રીનીંગ કરવામાં આવેલ છે તેમજ આગામી દિવસોમાં પણ હાઇ પાવર કમીટી (H.P.C.)ની ભલામણ મુજબ પાત્રતા ધરાવતા ધરાવતા કેદીઓ/આરોપીઓને મુક્‍ત કરવામાં આવશે તેમજ ૦૭ વર્ષથી ઉપર અને આજીવન કેદની સજા પામેલ પાકા કામના કેદીઓ પૈકી લાંબા સમય માટે પેરોલ રજા પર જવા માંગતા હોય, તેવા કેદીઓની અરજી મેળવી જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી જામનગરનાઓને મોકલવામાં આવેલ છે તેમજ તાજેતરમાં કોવિડ-૧૯ અન્‍વયે નકલી દવાઓ, ઇન્‍જેકશન, ઓક્‍સિજન તેમજ અન્‍ય આરોગ્‍યલક્ષી ચીજ-વસ્‍તુઓની ગેરકાયદેસર હેરાફેરી/કાળા બજારીના ગુન્‍હા સબબ જેલમાં રહેલ આરોપી/કેદીઓને આ લાભ મળવાપાત્ર રહેશે નહી તેમ અધિક્ષકશ્રી, જિલ્લા જેલ જામનગરની યાદીમાં જણાવાયું છે.

(1:40 pm IST)
  • સિંગાપોરના હાઈ કમિશને CM કેજરીવાલના નિવેદનનો રદિયો આપતા જણાવ્યું છે કે સિંગાપોરમાં નવો કોવિડ વેરિયન્ટ છે કે નહીં તે નિવેદનમાં કોઈ સત્યતા નથી. ફિલોજેનેટિક પરીક્ષણે બતાવ્યું છે કે સિંગાપોરમાં તાજેતરના સપ્તાહમાં બાળકો સહિત ઘણા કોવિડ કેસોમાં B.1.617.2 વેરિએન્ટ જ દેખાયો છે જે ભારતમાં હાલ પ્રવર્તમાન સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. access_time 12:24 am IST

  • તૌકત્તે વાવાઝોડા અસર:વલસાડ જિલ્લાના તિથલના દરિયા કિનારા સહિત જિલ્લાના 70 કિલોમીટરના દરિયાકિનારે પણ અનેક વિસ્તારોમાં તોફાની પવનને કારણે કાચા મકાનોના છાપરા ઉડયા હતા.તિથલના દરિયા કિનારે કાચા સ્ટોલના છત પણ ઉડી ગઈ હતી. અને સ્ટોલ ધારકોનો સામાન રાત્રે પણ વેરવિખેર થઈ ગયો હતો.(કાર્તિક બાવીશી ) access_time 9:55 am IST

  • હવામાન ખાતાએ મોડી રાત્રે જાહેર કર્યા મુજબ સાયક્લોન તૌકતેની આખી આંખ (કેન્દ્ર) હવે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો વટાવી ને પૂર્ણતઃ જમીન પર આવી ગયું છે. ચક્રવાતનો પૂછડીયો (પાછળનો) ભાગ હવે જમીન પર પ્રવેશી રહ્યો છે. અત્યંત તીવ્ર ચક્રવાત તોફાન તૌકતે, જમીન પર પ્રવેશ્યા બાદ થોડો નબળો પડીને તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું છે અને 17 મી મેના રોજ રાત્રે 11:30 વાગ્યે સૌરાષ્ટ્રમાં દીવથી આશરે 30 કિમી ઉત્તર-પૂર્વમાં કેન્દ્રિત હતું અને આગળ વધી રહ્યું છે. access_time 1:43 am IST