Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

કેશોદને તૌકતે વાવાઝોડાએ આખી રાત ધમરોળ્યા બાદ સવારે એકાએક પવનની દિશા બદલાતા રાહત

સામાન્ય વરસાદ સાથે ફુંકાયેલ ભારે પવનથી વૃક્ષો અને વિજપોલ ધરાશય : રાત્રીના પુર્વ તરફથી ફુંકાયા બાદ પવને વહેલી સવારથી પશ્ચિમ તરફ દિશા પકડીઃ ભારે પવનના કારણે રાત્રીના પોણા અગિયારના અરસામાં વિજપુરવઠો ઠપ્પ થયા બાદ સવારે સાત કલાકથી પુનઃ ચાલુ નિચાણવાળા વિસ્તારના લોકોને તંત્ર વાહકોએ સલામત સ્થળે ખસેડયા

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા.૧૮ : સ્થાનિક કેશોદ વિસ્તારને તૌકતે વાવાઝોડાએ ગત આખી રાત ધમરોળ્યા બાદ આજે વહેલી સવારે એકાએક પવનની દિશા બદલાતા રાહત જણાઇ રહેલ છે.

ગઇકાલે અત્રે તૌકતે વાવાઝોડાની સવારથી જ અસર જોવા મળેલ હતી. ગઇકાલે આખો દિવસ પવન પુર્વ તરફથી પવન ફુંકાયા બાદ રાત્રીના સાડા દશ વાગ્યાના અરસામાં પવનની ઝડપ સાથે તિવ્રતા વધતા વાતાવરણે રંગ બદલ્યો હતો.

ફુંકાય રહેલ પવન વરસાદને પણ ખેંચી લાવતા રાત્રીના બે વાગ્યા બાદ સામાન્ય વરસાદ પણ વરસેલ હતો.

સામાન્ય વરસાદ સાથે ભારે પવનની સ્થિતિ વચ્ચે અત્રેના આંબાવાડીમાં બગીચા સહિતના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશય થયેલ હતો. એ જ રીતે વિજપોલ પણ વાવાઝોડાનું નિશાન બનેલ હતા.

તિવ્ર પવન શરૂ થતા રાત્રીના પોણા અગિયારના અરસામાં વિજપુરવઠો ઠપ્પ થઇ જવા પામેલ હતો. જે આજે સવારે સાત વાગ્યાથી પુનઃ શરૂ થયેલ છે.

દરમિયાન ભારે પવન છતાં પણ ઘરમાં બંધ રહેલ લોકોને ભારે ગરમી તથા ઉકળાટનો અહેસાસ થયેલ હતો. જે જોતા ભારે વરસાદ પડે તેવી શકયતા નકારી શકાય નહી.

તોફાની પવન ફુંકાવાના પગલે ફાયર બ્રિગેડ જવાનો અને લાયન નેચર રેસ્કયુ ટીમ દ્વારા  અત્રેના એરોડ્રામ રોડ પર આવેલ ધાર વિસ્તાર તથા ઇન્દીરાનગર સહિતના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવેલ હતા.

ગતરાત્રીના પુર્વ તરફથી ફુંકાયા બાદ પવને વહેલી સવારથી પશ્ચિમ દિશા પકડતા, પવન ફરવાના કારણે ોતફાની પવનની તિવ્રતામાં ઘટાડો થતા લોકોએ રાહત અનુભવેલ છે. વાવાઝોડાની ચર્ચા વચ્ચે હાલ તુર્ત કોરોના ભુલાયો હોઇ તેવું જણાઇ રહયેલ છે. સ્થિતિના કારણે આજે સવારથી જ મોટાભાગની બજારો બંધ છે. આમ છતાં સવારે સ્થિતી થોડી હળવી જણાતા માર્ગો પર સ્થાનીક લોકોનો ટ્રાફિક જણાઇ રહેલ છે.

(1:38 pm IST)