Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

પોરબંદરના દરિયામાંથી ‘તૌકતે' વાવાઝોડુ હેમખેમ પસાર

આખી રાત લોકો ફફડાટમાં જાગતા રહ્યા : રાત્રીના ૭૫ કિમી ઝડપે પવન ફુંકાયો : આજે સવારે પવનની ઝડપ ૨૫ કિમી : બંદરે ૮ નંબરનું સિગ્નલ યથાવત : વૃક્ષો - વીજ થાંભલા પડી ગયા : જાનહાનિ ટળી

(હેમેન્‍દ્રકુમાર પારેખ, પરેશ પારેખ, સ્‍મિત પારેખ) પોરબંદર તા. ૧૮ : ગઇકાલે સવારથી ‘તૌકતે' વાવાઝોડુ મહુવા અને પોરબંદર દરિયા વચ્‍ચે રાત્રીના પસાર થવાની સંભાવના વધતા પોરબંદરમાં લોકોમાં ફફડાટ વધી ગયો હતો અને લોકો આખી રાત્રીના ફફડાટમાં જાગતા રહ્યા હતા. ‘તૌકતે' વાવાઝોડુ રાત્રી દરમિયાન પોરબંદરના દરિયામાંથી હેમખેમ પસાર થઇ ગયું હતું. દરિયાકાંઠે રાત્રીના ૭૫ કિમી ઝડપે પવન ફુંકાયો હતો અને શહેરમાં અનેક જગ્‍યાએ વૃક્ષો અને વીજ થાંભલા પડી ગયા હતા. વાવાઝોડાથી માલ-મિલ્‍કતને મોટી નુકસાની અને જાનહાનિ નથી.

ગઇકાલે દરિયાકાંઠે સંભવિત વાવાઝોડાના ખતરા દરમિયાન બપોર પછી ગાજવીજ સાથે વરસાદ વરસી ગયો હતો ત્‍યારપછી રાત્રીના ૧૦ વાગ્‍યા બાદ ભારે પવન ફુંકાવવાનું શરૂ થયેલ. આ પવનની ગતિ મોડી રાત્રીના ૭૫ કિમી પહોંચી હતી અને હવામાન કચેરીથી જણાવ્‍યા મુજબ વહેલી સવારે પવનની ગતિ મંદ પડી હતી. આજે સવારે ૮.૩૦ વાગ્‍યે પવનની ગતિ સરેરાશ ૨૫ કિમી રહી છે.

બંદરકાંઠે આજે સવારે ૮ નંબરનું સીગ્નલ યથાવત રાખેલ છે. શહેરમાં ભારે પવનથી ૫ જગ્‍યાએ વૃક્ષ પડી ગયેલ. રાણીબાગથી મહાપ્રભુજીની બેઠક વચ્‍ચે રોડ ઉપર જુની વોટર ઓફિસ પાસે વીજ થાંભલો પડી ગયેલ હતો અને આ વિસ્‍તારમાં વીજ પુરવઠો ઠપ્‍પ થઇ ગયા હતા. દરિયામાં કરન્‍ટ વધ્‍યો છે અને સવારે દરિયાકાંઠે સામાન્‍ય મોજા ઉછળે છે.

ગુરૂત્તમ ઉષ્‍ણાતામાન ૩૬.૬ સે.ગ્રે., લઘુત્તમ ઉષ્‍ણાતામાન ૨૫.૪ સે.ગ્રે., ભેજ ૭૭ ટકા પવનની ઝડપ ૨૫ કિ.મી. હવાનું દબાણ ૯૯૭.૪ એચ.પી.એ. સૂર્યોદય ૬.૧૧ તથા સૂર્યાસ્‍ત ૭.૧૪ મીનીટે.

(12:33 pm IST)