Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

મજૂરોને એમપી બોર્ડરે મુકીને પરત આવતી વખતે બસમાં દારૂ-બીયર ભરી લાવ્યાઃ શિવરાજગઢના બે શખ્સ પકડાયા

લોકડાઉનને કારણે કયાંય મળતો ન હોઇ પીવા માટે પરપ્રાંતથી લાવ્યા છતાં ગળા ભીના ન કરી શકયા : કુવાડવા પોલીસે સાત હનુમાન ચેક પોસ્ટ પાસે રાત્રીના બસ ચેક કરતાં ડેકીમાંથી ૪૮ બીયર

રાજકોટ તા. ૧૮: લોકડાઉનને કારણે બંધાણીઓની હાલત ખરાબ છે. નશાની ટેવ ધરાવનારાઓને સામાન્ય દિવસોમાં દારૂબંધી હોવા છતાં છાંટોપાણી કરવા માટે 'માલ' મળી રહે છે. પરંતુ હાલના દિવસોમાં શકય નથી. દરમિયાન ગોંડલના શિવરાજગઢના ડ્રાઇવર-કલીનર મધ્યપ્રદેશના મજૂરોને મુકવા એમપી બોર્ડર સુધી ગયા હોઇ વળતાં ત્યાંથી દારૂ-બીયર બસની ડેકીમાં છુપાવીને લાવ્યા હતાં. ગામડે પહોંચી નિરાંતે મોજ કરવાના સપના બંનેએ જોયા હતાં. પરંતુ રાત્રીના કુવાડવા રોડ સાત હનુમાન ચેકપોસ્ટ પર પહોંચ્યા ત્યારે પકડાઇ જતાં બંનેની ઇચ્છા અધુરી રહી ગઇ હતી. પોલીસે ૯૬૦૦ના ૪૮ બીયરના ટીન, ૨૦૦૦નો પાંચ બોટલ દારૂ, ૧૦૦૦૦ના બે મોબાઇલ ફોન અને ૧૦ લાખની બસ કબ્જે કરી છે.

ગોંડલ શિવરાજગઢના બે શખ્સો નિરવ અનંતરાય જોષી (ઉ.૩૦) તથા જયદિપ દામજીભાઇ વઘાસીયા (ઉ.૨૧) સામે ગુનો નોંધી દારૂ, બીયર, બસ સહિતનો કુલ રૂ. ૧૦,૨૪,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.  પી.આઇ. એમ.સી. વાળાની સુચના મુજબ પીએસઆઇ એચ. એમ. જાડેજા, કોન્સ. કમલેશભાઇ શાંતિભાઇ ગઢવી, મહેન્દ્રભાઇ ગોવાણી, રવિભાઇ ચાવડા, સોનલબેન વાળા સહિતનો સ્ટાફ રાતે લોકડાઉન સંદર્ભે સાત હનુમાન ચેકપોસ્ટ પર બંદોબસ્તમાં હતાં ત્યારે માહિતી મળી હતી કે કુવાડવા તરફથી આવી રહેલી જીજે૦૩ડબલ્યુ-૯૭૭૧ નંબરની બસમાં દારૂ-બીયર છે. બાતમી મુજબની બસ આવતાં અટકાવી તલાશી લેતાં સામાન રાખવાની ડેકીમાંથી ૪૮ બીયર અને પાંચ દારૂની બોટલો મળતાં કબ્જે કરી બસના ચાલક નિરવ જોષી તથા કલીનર જયદિપ વઘાસીયાની ધરપકડ કરી હતી.

આ બંને ત્રણ-ચાર દિવસ પહેલા એમપીના મજૂરોને ગોંડલથી મુકવા જવાની મંજૂરી મળી હોઇ તેઓને મધ્યપ્રદેશની બોર્ડર સુધી મુકવા ગયા હતાં. વળતાં પીવા માટે દારૂ-બીયર લઇ લીધો હતો. આ બંને ત્યાંથી છેક કુવાડવા રોડ સાત હનુમાન ચેકપોસ્ટ સુધી તો પહોંચી ગયા હતાં. પરંતુ અહિ પકડાઇ જતાં ગળા ભીના કરવાની આશા અધુરી રહી ગઇ હતી. વિશેષ તપાસ પીએસઆઇ બી. પી. મેઘલાતર ચલાવી રહ્યા છે. (૧૪.૬)અને પાંચ દારૂની બોટલ તથા ૧૦ લાખની બસ કબ્જેઃ નિરવ જોષી તથા જયદિપ વઘાસીયાની ધરપકડ

(11:52 am IST)