Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

મોરબીમાં સ્વચ્છતા અભિયાન ચલાવતી સેવાભાવીઓની ટીમે પાલિકા પાસે મદદ કરવા રજૂઆત

મોરબી, તા.૧૮:  ડોકટર મિત્રો અને અન્ય સેવાભાવીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે દર રવિવારે શહેરના વિવિધ વિસ્તારોની સફાઈ કરવામા આવી રહી છે જે સ્વચ્છતા અભિયાન ટીમ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પાઠવીને સ્વચ્છતા અભિયાનમાં સહયોગ આપવા રજૂઆત કરી છે.

સ્વચ્છતા અભિયાન ટીમ મોરબીએ પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆતમાં જણાવ્યું છે કે શહેરમાં વિવિધ સ્થળે સફાઈ અભિયાન ચાલે છે તેમાં સહકાર આપવો અને સાથે કેટલીક માંગણીઓ કરી છે જેમાં હાઈડ્રોલિક કચરાપેટી મુકવી, કચરાને ઉઠાવવા માટે લોડર, ટ્રેકટરની વ્યવસ્થા કરવી, ડોર ટૂ ડોર કલેકશન વાહનો વધારવા, પ્લાસ્ટિક પ્રતિબંધ સંપૂર્ણપણે બંધ કરાવવું, નગરપાલિકા સફાઈ કામદારો વધુમાં વધુ જોડાય, ચાની-નાસ્તાની લારીઓ, હોટેલ સહિતના સ્થળોએ કચરાપેટી મુકવી. તેમજ ચોમાસું નજીક છે જેથી નવા વૃક્ષો વાવવા અને પીંજરા મુકવા, સ્વચ્છતા અભિયાન ઝુંબેશ માટે નવા સુત્રો સાથે જાહેરાત કરવી, બોર્ડ બેનર મુકવા તેમજ સ્વચ્છતા અભિયાન ઝુંબેશમાં શેરી નાટકો, સ્કૂલ-કોલેજમાં કાર્યક્રમો યોજવા સહિતની માંગ કરી છે.

(11:38 am IST)