Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

દેશભરમાં કોંગ્રેસના ધરણાઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં દેખાવો

'લોકશાહી બચાવો' દિવસની આક્રોશ ભેર ઉજવણીઃ પાટનગર ગાંધીનગર સહિત જીલ્લા મથકોએ આવેદનપત્ર પાઠવ્યાઃ જામનગર અને સુરેન્દ્રનગરમાં કર્ણાટકના રાજ્યપાલના પૂતળા દહનનો પ્રયાસઃ અટકાયત

કર્ણાટકના રાજકીય ઘટનાક્રમ સામે કોંગ્રેસ દ્વારા દેશભરમાં ધરણા, આવેદન, રેલી સહિતના કાર્યક્રમો યોજીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો જે તસ્વીરમાં નજરે પડે છે (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર, ફઝલ ચૌહાણ-વઢવાણ, મુકેશ વાઘેલા-જૂનાગઢ)

રાજકોટ તા. ૧૮ :. કર્ણાટકમાં રાજયપાલ વજુભાઇ વાળાએ ભાજપના નેતા બી. એસ. યેદિયુરપ્પાને રાજયના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવાનું આમંત્રણ આપ્યું એના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી આજે શુક્રવારે દેશભરમાં 'લોકશાહી બચાવો દિવસ' મનાવી રહી છે અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ તમામ રાજયોના પાટનગર શહેરો તથા જિલ્લા મુખ્યાલયો ખાતે વિરોધ -દેખાવો કરી રહ્યા છે.

જામનગર

જામનગરઃ શહેરમાં લાલ બંગલા સર્કલ ખાતે કોંગ્રેસ દ્વારા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાનું પૂતળા દહન કરી ભાજપ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરનાર દેખાવકારોની અટકાયત કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર

વઢવાણઃ કર્ણાટક મા યોજાયેલ ચૂંટણી ના પરિણામ બાદ હાલ મા દેશમાં આખા મા વિરોધ નોંધાયો છે કોંગ્રેસ સુરેન્દ્રનગર મા  કોંગ્રેસપ્રમુખ મનુભાઈ પટેલ આગેવાન થી એ કોંગ્રેસ સુરેન્દ્રનગર દ્વારા વજુભાઈ વાળા નો વિરોધ દર્શાવ્યો હતો સાથો સાથ રેલી નું આયોજન પણ કરવા મા આવેલ હતું ત્યારે વજુ ભાઈ નું પૂતળું બાળવા જતા કોંગ્રેસીઓ ની સુરેન્દ્રનગર પોલીસ દ્વારા અટકાયત કરી હતી..અને આ કાર્યક્રમ મા બી.કે. પરમાર,મનુભાઈ પટેલ અને તમામ કોંગ્રેસ ના કાર્યકરો જોડાયા હતા.

જૂનાગઢ

જુનાગઢ : યદુરપ્પાને શપથ લેવા આમંત્રણ આપેલ હોય જેના વિરૂધ્ધમાં આજે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે મુજબ જુનાગઢમાં કોંગ્રેસ ભવન ખાતે શહેર પ્રમુખ કેપ્ટન સતિષભાઇ વિરડાની આગેવાનીમાં ધરણા કરવામાં આવ્યા હતા. આ તકે  પૂર્વ મેયર લાખાભાઇ પરમાર, કોર્પોરેટર મંજુલાબેન પરસાણા, શ્રી કારાવદરા વગેરે કોંગીજનોએ ધરણા કર્યા હતા.

અમરેલી

અમરેલીઃ કોંગ્રેસ દ્વારા આજે સાંજે ૪ થી ૬ ધરણા યોજીને કર્ણાટકના રાજકીય ઘટનાક્રમ અંગે વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે.

તમામ રાજયોના કોંગ્રેસી વડાઓને શુક્રવારે પત્રકાર પરિષદો યોજવા અને પોતપોતાના રાજયના ગવર્નરોને આવેદન પત્ર આપવાની સુચના અપાઇ છે. આવેદન પત્રમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને વિનંતી કરવામાં આવશે કે તેઓ લોકતાંત્રિક સિધ્ધાંતો તથા બંધારણની પવિત્રતાનું રક્ષણ કરે તેવી માંગણી કરી હતી.

પક્ષના તમામ રાજય એકમોને લખેલા પત્રમાં કોંગ્રેસના મહામંત્રી અશોક ગેહલોતે જણાવ્યું છે કે કોંગ્રેસે જનતા દળ-સેકયુલરની સાથે મળીને કર્ણાટકના વિધાનસભ્યોના નામોની એક યાદી સુપરત કરી હતી. જેમાં આ ગઠબંધનની સરકારની રચના કરવા માટે આવશ્યક કરતાં વધારે સંખ્યા છે. તેમ છતાં રાજયપાલ વજુભાઇ વાળાએ ભાજપના યેદિયુરપ્પાને સરકાર રચવાનું આમંત્રણ આપીને એમના હોદાના મોભાને ઉતારી પાડયો છે. એમણે ગેરબંધારણીય રીતે પગલું ભર્યુ છે. એમ ગેહલોતે કહ્યું છે.

(4:14 pm IST)