Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

ઉપલેટા તાલુકાના ખેડુતો બે હાલ

ડુંગળી-કોબીના ભાવ તળીયે ઉભા પાકમાં ટ્રેકટર ફેરવી દેવાયું :ડુંગળી ઉગાડવાનો મણનો ખર્ચ રૂ.૧૧૦ અને બજાર ભાવ રૂ.૩૦

ઉપલેટા તા.૧૮: ઉપલેટા તાલુકામાં આ વર્ષ ખેડુતોએ ડુંગળી અને કોબી શાકભાજીનું વાવેતર મોટા પ્રમાણમાં કરેલ હતું. પરંતુ શાકભાજી અને ડુંગળીના બજાર ભાવ ન મળતા ખેડુતોને માથે ઓઢીને રોવાનો વખત આવ્યો છે.

આવોજ એક બનાવ ઉપલેટા તાલુકાના કેરાળા ગામના માજી સરપંચ વિક્રમભાઇ નારણભાઇ વામરોટીયાએ પોતાના ર૦ વિઘાના ખેતરમાં ડુંગળી અને ર૦ વિઘામાં કોબીનું વાવેતર કરેલ હતું. પરંતુ પાક તૈયાર થતા બેમાંથી એક પણ પાકની બજાર કિંમત ઉંચી ન આવતા તેઓએ ઉભા પાકના ખેતરમાં ટ્રેકટર ફેરવીને ઉભા પાકનો નાશ કરી આ બનાવની સરકાર અને લોકોને જાણ થાય તે માટે મીડીયાના મિત્રોને પણ પોતાના ખેતરે લઇ જઇ ખેડુતોની બેહાલી વર્ણવી હતી.

આ ખેડુત વિક્રમભાઇ વામરોટીયાએ જણાવેલ હતું કે ડુંગળીના પાકનું વાવેતર કરીએ તો ખેતર-બીયારણ-દવા-મજુરી-પાણી મળીને મણ એક ડુંગળી પકવવામાં રૂ.૧૧૦નો ખર્ચ થાય છે. ત્યારે અત્યારે બજાર ભાવ મણના રૂ.૩૦ મળે છે. આમ મજુરો મારફત ડુંગળી ખેતરેથી કાઢી માર્કેટ સુધી પહોંચાડવામાં જ રૂ.૩૦નો ખર્ચ લાગી જાય છે. આમ રૂ.૩૦નો ખર્ચ કરવાને બદલે ઉપરોકત ખેડુતે પોતાના ર૦ વિઘાના ખેતરમાં ઉભા પાકનો નાશ કરવાનો નિર્ણય કરી વધુમાં જણાવેલ કે મારા કુટુંબની ખાધા ખોરાકી તો એક બાજુ રહી મને વર્ષે પ લાખની નુકશાની થઇ હોવાનું જણાવી અન્ય બીજા ર૦ વિઘામાં કોબીનું વાવેતર છે તેમના પણ માર્કેટમાં ભાવ ન હોવાથી ખેતરમાં પશુઓને ખુલ્લા મુકી તેઓને સંપૂર્ણ પાક ખવડાવી નાશ કર્યાનું જણાવેલ હતું.

(12:01 pm IST)