Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

વિક્રમી તાપમાનથી સૌરાષ્ટ્ર-કચ્છમાં કૂદરતી કર્ફયુ

મહતમ તાપમાન ૪૫ ડિગ્રીને પાર કરી જતા કાળઝાળ ગરમી

રાજકોટ તા.૧૮: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી  ગયા છે અને મહતમ તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને પાર થઇ જતા બપોરના સમયે કુદરતી કર્ફયુ સર્જાય છે. રાજ્યમાં અનેક સ્થળે આ સિઝનનું વિક્રમી તાપમાન નોંધાયુ હતું. સૌરાષ્ટ્રના ૩ સેન્ટરો અને અમદાવાદ મળી ૪ સ્થળે આજે ૪૪ ડિગ્રી ઉપરનું તાપમાન નોંધાયુ હતુ. જયારે કંડલા એરપોર્ટ આજે પણ રાજ્યનંુ સૌથી ગરમ શહેર ૪૫.૨ ડિગ્રી સાથે રહ્યું હતુ. આવનારા પાંચેક દિવસ હજુ પણ ૪૪ થી વધુ ડિગ્રીનું તાપમાન અનેક સ્થળે નોંધાશે તેવી શકયતા છે.

રાજકોટ શહેરમાં સિઝનનું વિક્રમી તાપમાન ૪૪ ડિગ્રી નોંધાયુ હતુ. જ્યારે લઘુતમ તાપમાન ૨૬.૫ અને ભેજનું વધુમાં વધુ પ્રમાણ ૭૮ તથા ઓછુ ૧૪ ટકા નોંધાયુ હતું.

જૂનાગઢમાં પણ મહતમ તાપમાન ૪૪ ડિગ્રી અને લઘુતમ ૨૬ ડિગ્રી નોંધાયુ હતુ. ભેજ ૮૦ ટકા અને ઓછો ૨૫ ટકા રહ્યો હતો.

અમરેલી રાજ્યમાં બીજા ક્રમનું ગરમ શહેર રહ્યું હતું. અંગ દઝાડતી ૪૪.૭ ડિગ્રી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા અને બપોરે કુદરતી કરફયુ જેવી સ્થિતિ જોવા મળી હતી. શહેરની રેકર્ડબ્રેક ગરમી વચ્ચે વીજતંત્ર પણ ફોલ્ટ રિપેર કરવા બપોરના બે વાગ્યા સુધી કાપ લાદી દેતા નાગરિકો, અબાલ-વૃધ્ધ, દર્દીઓ પરેશાનીમાં મહત્તમ તાપમાન ૪૧ ડીગ્રી લઘુતમ ર૬.૮ રહ્યું હતું.

કંડલા એરપોર્ટ પર પણ પારો ૪પ.ર ડીગ્રીએ રહ્યો હતો. જે રાજયનો સૌથી વધુ ગરમ વિસ્તાર રહ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા ભાગમાં બે દિવસ માટે હીટવેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે. રમઝાન માસનો પ્રારંભ સાથે પ્રથમ રોજુ હતું. ત્યારે અમરેલી મુસ્લિમ બિરાદરોની ૪૪.૭ ડીગ્રીની ગરમીએ ખરેખરી કસોટી કરી હતી. આવતું સમગ્ર સપ્તાહ ૪૦ થી ૪૪.૪પ ડીગ્રીની ગરમી સાથેનું હોય નજીકના દિવસોમાં ગરમીથી રાહત મળે તેવા કોઇ એંધાણ વર્તાતા નથી. લોકોએ ગરમીથી બચવા શકય તેટલા તમામ પ્રયાસો કરવા જરૂરી બન્યા છે.

જામનગર

જામનગરઃ શહેરનુ તાપમાન ૩૮ મહત્તમ, ૨૬ લઘુતમ, ૭૬ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૩ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

અમદાવાદ

૪૪ ડીગ્રી

કંડલાપોર્ટ

૪૫.૨ ડિગ્રી

રાજકોટ

૪૪ ડિગ્રી

જુનાગઢ

૪૪ ડિગ્રી

અમરેલી

૪૪.૭ ડિગ્રી

સોથી વધુ અમરેલી ૪૪.૭ ડિગ્રી

અને કંડલા પોર્ટઃ ૪૫.૨ ડિગ્રી તાપમાન

(11:42 am IST)