Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

કચ્છમાં દરગાહમાં તોડફોડ કરનાર દિવ્યાંગ શખ્સ જુસબ ઝડપાયો

ભુજ, તા.૧૮: સમગ્ર કચ્છમાં ચર્ચા જગાવનાર દરગાહ તોડફોડ પ્રકરણનું પગેરું શોધવાની દિશામાં પોલીસે શરૂઆત કરી છે.

પશ્ચિમ કચ્છ પોલીસે આજે પત્રકાર પરિષદ યોજીને આ ચકચારી પ્રકરણમાં મોટો ખુલાસો કર્યો છે. અબડાસા તાલુકાના મોથાળા, સુથરી અને ભવાનીપરમાં દરગાહને નુકસાન પહોંચડાયું હતું. જે પૈકી મોથાળા ની દરગાહની તોડફોડનો આરોપી ઝડપાયો હોવાનો ખુલાસો પોલીસે કર્યો છે. પશ્ચિમ કચ્છ ડીએસપી મહેન્દ્ર ભરાડા ના જણાવ્યા પ્રમાણે નાગીયારી ગામના જુસબ જાકબ ત્રાયા એ મોથાળા ની દરગાહ ને નુકસાન પહોંચાડી લખાણ લખ્યું હતું. આરોપી જુસબ મૂંગો બહેરો છે. એટલે પોલીસે મુક બધિર લોકોને શીખવાડતા શિક્ષક રોહિત જોશીની મદદ લીધી હતી. આરોપી જુસબે માનકુવા ગામમાં ડેરીની દીવાલ ઉપર કોલસા થી લખેલું લખાણ અને મોથાળાની દરગાહમાં દીવાલ પર લખેલું લખાણ એક સરખું હોઈ પોલીસને શક પડતા વધુ તપાસને અંતે જુસબ ઝડપાયો હતો.આ આરોપીએ માત્ર મોથાળા ની દરગાહની જ તોડફોડ કરી હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે.કચ્છમાં દરગાહ તોડફોડના બનાવો વધ્યા બાદ મુસ્લિમ સમાજે આ બાબતે આરોપીઓને પકડી પાડવા વારંવાર રજૂઆતો કરી હતી. આ બાબતે કચ્છના મુસ્લિમ સમાજે વિરોધ રેલી અને ધરણા પણ કર્યા હતા.તો આ મામલે રાજકારણ પણ ગરમાયું હતું.એક બાજુ કોંગ્રેસના લદ્યુમતી આગેવાનોએ દરગાહ તોડફોડ મામલે કચ્છ કોંગ્રેસના મૌન બદલ નારાજગી વ્યકત કરી હતી.તો અમુક આગેવાનો એ રાજીનામુ પણ આપ્યું હતું.બીજી બાજુ વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ દરગાહ તોડફોડ પ્રકરણમાં કાચના મુસ્લિમ સમાજને ટેકો જાહેર કરી ભૂજમાં યોજાયેલ વિરોધ કાર્યક્રમમાં હાજરી આપી હતી. દરગાહ તોડફોડ પ્રકરણે મુસ્લિમ સમાજના વિરોધની સાથે રાજકીય માહોલ ગરમાયા બાદ હરકતમાં આવેલ રાજય સરકારે ATS ને તપાસ સોંપી હતી.

(11:42 am IST)