Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

મોરબી જિલ્લાના વિરપર તળાવમાંથી નીકળેલ ૬૫૬૨૦ ટન માટી ખેડુતો ખેતરની ફળદ્રુપતા વધારવા લઇ ગયા

મોરબી, તા.૧૮: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર રાજયભરમાં સુઝલામ સુફલામ યોજના હેઠળ જળસંચય મહા અભિયાન અંતર્ગત આગામી ચોમાસા પહેલા જળ સંચયનો મોટા પ્રમાણમાં વ્યાપ વધારવા સમયસરનું અસરકારક નકકર આયોજન હાથ ધર્યું છે. જેના ભાગરૂપે શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં હયાત તળાવો, ચેકડેમો, ને કાંપ કાઢી ઉંડા ઉતારવા તથા નદિ, નાળાઓ અને કેનાલોમાં ઉગી નિકળેલા ઝાડી ઝાંખરાઓને દુર કરી પાણી વહેણના રસ્તા ખુલ્લા કરવા તેમજ વધારાની ખેત તલાવડીઓ બનાવવી જેવા જળસંચયમાં વધારો કરી શકાય તેવા નક્કર કામો લોક ભાગીદારીને જોડી હાથ ધર્યા છે.

આ જળસંચય અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા વહિવટીતંત્ર પણ સજજ બન્યું છે. જેમાં જિલ્લા પ્રભારી મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ અને જિલ્લા પ્રભારી સચિવશ્રી મોનાબેન ખંધારના  માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા કલેકટરશ્રી આર.જે. માકડીયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ. ખટાણાની સીધી દેખરેખ હેઠળ જિલ્લામાં ૧૮૬ જળ સંચયના કામો હાથ ધરાયા છે. જેમાં ૯૮ કામો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. અને હાલમાં ૮૮ કામો ચાલી રહયા છે.

મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના વિરપર ગામે અંજતા ઓરપેટ ટ્રસ્ટ દવારા ચાલી રહેલા ગ્રામ્ય તળાવની નિરીક્ષણ માટે આજે આવેલ જિલ્લા કલેકટરશ્રી આર.જે. માકડીયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ. ખટાણાએ માહિતી ખાતાની ટીમને આ ચાલી રહેલ કામની વિગતો આપી જણાવ્યું કે આ તળાવને ઉંડા ઉતારવાના કામનો શુભારંભ થયો હતો. ત્યારથી આજે તા. ૧૬/૦૫/૨૦૧૮ સુધીમાં ૬૫૬૨૦ ટન ફળદ્રુપ માટીરૂપી કાંપ કાઢવામાં આવ્યો છે. આ કામ ઉપર બે હિટાચી દવારા તળાવને ઉંડુ કરવાની કામગીરી ડમ્પર તથા ટ્રેકટર મારફત માટી કાઢવાની કામગીરી ચાલી રહી છે. આ તળાવની માટીનો વિરપર તેમજ આજુબાજુના ગામના ખેડુતો ટ્રેકટરો મારફતે પોતાના ખેતરમાં નાખવા માટી ભરી જાય છે.

આ તળાવમાંથી પોતાના ખેતર માટે ટેકટ્રર દ્વારા આ ફળદ્રુપ માટીકાંપ લઇ જતા વિરપર ગામના ખેડુત  ભરતભાઇ રાજપરાએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે જમીનમાં આ ફળદ્રુપ કાંપ ભરવાથી જમીનની ફળદ્રુપતા દ્યણી વધી જશે ખેડુતોની કૃષિ આવકમાં પણ વધારો થશે. નિચાણવાણી જમીનમાં માટી ભરવાથી જમીન સમથળ થવા સાથે જમીનનું ધોવાણ પણ અટકશે. આ ઉપરાંત તળાવો ઉંડા થવાથી જળસંગ્રહમાં વધારો થવાથી  ગામને વધુ પાણી ઉપલબ્ધ થશે તેમજ ગામના પાણીના તળ પણ ઉંચા આવશે. તેમ જણાવી સરકારશ્રી દવારા આ જળ મહાઅભિયાન ૧ લી મે થી શરૂ કર્યું છે. તે ખેડુતો, ગ્રામજનો માટે ખુબ જ લાભદાયક બની રહેશે. સરકારનું આ અભિયાન ધણુ જ પ્રસંશાપાત્ર છે તેમ તેમણે જણાવ્યું હતું.

તળાવના કામોની  આ મુલાકાત દરમિયાન અંજતા ઓરપેટ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રંસ્ટીશ્રી પ્રવિણભાઇ ભાલોડીયા, જિલ્લા ભાજપ અગ્રણીશ્રી રાધવજીભાઇ ગડારા તેમજ સ્થાનિક અગ્રણીઓ, ગ્રામજનો પણ સાથે રહયા હતા.

(11:40 am IST)