Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

વાંકાનેર પીપળીયા રાજ હત્યાકાંડમાં ચાર આરોપી છોડી મુકતી અદાલત

કેસની તપાસ કરનાર તપાસનીશ સામે કાર્યવાહી કરવા કોર્ટનો આદેશ

રાજકોટ, તા. ૧૮ :  વાંકાનેર પંથકના પીપળીયારાજ ગામે થયેલ હત્યાકાંડના ચારેય આરોપીઓ ઇકબાલ હાજી દેકાવડીયા, ઉસ્માન હાજી કડીવાર, યાકુબ મામદહુસેન કડીવાર તથા મહમદ ઉસ્માન, કડીવાર, સામેનો હત્યાનો તથા હત્યાની કોશીષનો આરોપ, નાસાબીત માની, મોરબીના એડીશ્નલ સેશન્સ જજ શ્રી સી.કે. મુન્શીએ તમામ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકયા હતા.

ફરીયાદ પક્ષના કેસ પ્રમાણે તા. ૩-ર-૧રના સાંજના પોણા છ વાગ્યે, પીપળીયા રાજ ગામના ઇકબાલ હાજી આહમદ દેકાવડીયાએ, ઉસ્માન, હાજી મીરાજી કડીવારે, યાકુબ મામદ હુશેન મીરાજી, કડીવાર તથા મહમદ ઉસ્માન, વલીમામદ કડીવારે વાલાસણના અબ્દુલ અલીમ હાજી સીપાઇ તથા જાબીર મહમદ સીપાઇ પર, ખાર રાખી, પીપળીયા રાજ ગામે, રોડ ઉપર દેકાવડીયા, વેલ્ડીંગ વર્કસની સામે જીવલેણ હુમલો કરેલો જેમાં ઇકબાલ હાજી અને ઉસ્માન હાજીએ લોખંડના પાઇપથી તેમ જ મહમદ ઉસ્માને લાકડા વડે જાબીર મહમદને માથાના ભાગે માર મારતા તેનું અમદાવાદમાં તા. ૪-૪-૧રના સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું જયારે યાકુબ મામદ હુશેને અબ્દુલ અલીમ હાજીને માથામાં જીવલેણ મારમારી તેની હત્યાની કોશીષ કરી હતી.

જોધપરના રહેમતુલ્લા શેરસીયાની ફરીયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે પહેલા હત્યાના પ્રયાસનો ગુન્હો નોંધેલો પરંતુ પાછળથી જાબીરનું મૃત્યુ થતા તે હત્યામાં તથા હત્યાનાં પ્રયાસમાં પલટાયો હતો.

હત્યા તથા હત્યાની કોશીષ સાબીત કરવા, ફરીયાદ પક્ષે બે નજરે જોનારા તથા ઇજા પામનારા સહિત ર૪ સાહેદોને તપાસ્યા હતા તથા ૪૯ દસ્તાવેજો પુરાવા તરીકે રજૂ કર્યા હતા. બચાવ પક્ષે, પોતાનો બચાવ સાબિત કરવા, ઇજાગ્રસ્તોની પ્રથમ સારવાર કરનાર તબીબને તપસ્યા હતા તથા ૧પ દસ્તાવેજો પુરાવા રૂપે રજૂ કર્યા હતા.

હત્યાના તથા હત્યાના પ્રયાસનાં ગુન્હામાં શંકાનો લાભ આપી તમામ આરોપીઓને છોડી મુકતી વખતે અદાલતે એવી ટકોર કરી હતી કે અદાલતનો મુખ્ય હેતુ, સત્યની નજીક પહોંચીને નીષ્પક્ષ, સમતુલ્લ તેમજ સબસ્ટેન્શીયલ, ન્યાય કરવાનો છે , જે વર્તમાન કેસમાં સિધ્ધ થયો છે. આ ચુકાદો, સમાજમાં પોલીસ આલમમાં તથા ન્યાય મેળવવા આવનાર અપેક્ષીત પક્ષકારોમાં એક દાખલા રૂપ ઉદાહરણ બનશે.

નિષ્પક્ષ અને તટસ્થ તપાસ ન કરવા માટે તપાસનીશ અધિકારી વિરૂધ્ધ અદાલતે કરેલા ઓબઝરવેશનની નોંધ લઇ જરૂરી કાર્યવાહી કરવા માટે અદાલતે આરોપીઓને તમામ આરોપોમાંથી છોડી મુકતા પોતાના ચુકાદાની નકલ મોરબી જીલ્લાના પોલીસ વડા, કલેકટર તેમજ રેન્જ આઇ.જી.ને મોકલી હતી.

પીપળીયા રાજ હત્યામાં ચારેય આરોપીઓ તરફે સૌરાષ્ટ્રનાં ખ્યાતનામ ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, વિજય પટેલ, ગૌતમ પરમાર, કલ્પેશ નશીત, જીજ્ઞેશ વિરાણી જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉધરેજા, શ્રીકાંત મકવાણા, સુમીત વોરા, અમૃતા ભારદ્વાજ, ગૌરાંગ ગોકાણી તથા મોરબીનાં તેજશ દોશી રોકાયેલ હતા.

(11:40 am IST)