Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

જૂનાગઢમાં યુવતિને જોબની લાલચ આપી ગેસ્ટ હાઉસમાં નરાધમે આચર્યુ દુષ્કર્મ

મોડી રાત્રે ભોગ બનનાર યુવતિની પોલીસ ફરિયાદ

જૂનાગઢ, તા. ૧૮ :. જૂનાગઢમાં ગઈકાલે એક યુવતિને જોબની લાલચ આપી બાદમાં તેણી ઉપર ગેસ્ટ હાઉસમા નરાધમે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરીયાદ મોડી રાત્રે યુવતિએ નોંધાવતા ચકચાર પ્રસરી ગઈ છે.

આ અંગેની વિગતો એવી છે કે, જૂનાગઢમાં ખામધ્રોળ રોડ વિસ્તારમાં આવેલ આરટીઓ કચેરી પાસે રહેતી એક યુવતિનો જૂનાગઢના જ જીજ્ઞેશ બાબુભાઈ પટેલ નામના શખ્સ સાથે સંપર્ક થયેલ. જેમા જીજ્ઞેશે યુવતિને નોકરી અપાવી દેવાની લાલચ આપી શહેરના બસ સ્ટેન્ડ આસપાસના ગેસ્ટ હાઉસમાં ગઈકાલે બપોરે બોલાવી હતી. પરંતુ આ શખ્સે યુવતિની મજબુરી અને એકલતાનો લાભ લઈ તેણીની ઈચ્છા વિરૂદ્ધ તેના ઉપર જીજ્ઞેશ પટેલે બળાત્કાર કર્યો હતો.

આમ જોબની લાલચમાં યુવતિનું સર્વસ્વ લૂંટાઈ જતા તેણી હતપ્રભ થઈ ગઈ હતી પરંતુ યુવતિએ ન્યાય મેળવવા નાસીપાસ થયા વગર રાત્રીના અઢી વાગ્યે બી-ડિવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

પી.આઈ. આર.બી. સોલંકીએ યુવતિની ફરીયાદના આધારે ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.

(12:30 pm IST)