Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

પડધરીના થોરીયાળીમાં ધોરણ-૧૨ના છાત્ર રાજેશ કલોતરાનો ગળાફાંસો ખાઇ આપઘાત

પિતાએ રસ્તા પરથી કાંકરી હટાવવાના કામમાં મદદ કરવા કહી ઠપકો આપતાં માઠુ લાગતાં પગલું

રાજકોટ તા. ૧૮: પડધરીના થોરીયાળી ગામમાં રહેતાં રાજેશ રામજીભાઇ કલોતરા (ઉ.૧૮) નામના રબારી યુવાને ઘરમાં લાકડાની આડીમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી. રાજેશના સ્વજનના કહેવા મુજબ આપઘાત કરનાર રાજેશ બે ભાઇ અને બે બહેનમાં મોટો હતો અને ટંકારાની લાઇફ લિંક સ્કૂલમાં ધોરણ-૧૨ કોમર્સમાં ભણતો હતો. આ વર્ષે જ તેણે પરિક્ષા આપી હોઇ હાલ વેકેશન હતું. ઘરની છત ભરવાનું કામ ચાલું હોઇ સાંજે પિતા રામજીભાઇએ રસ્તા પર પડેલી કાંકરી હટાવવાના કામમાં મદદ કરવાનું કહેતાં રાજેશે પોતે પહેલા અગાસીએ બેરલ મુકી આવશે તેમ કહેતાં પિતાએ તે બાબતે ઠપકો આપતાં માઠુ લાગી જતાં રૂમમાં જઇને સુઇ ગયો હતો.

એ પછી નાનો ભાઇ સંજય રૂમમાં જોવા જતાં રાજેશ લટકતો જોવા મળતાં દેકારો મચાવતાં પરિવારજનો ભેગા થઇ ગયા હતાં અને રાજેશને નીચે ઉતારી રાજકોટ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ સારવાર કારગત નિવડી નહોતી. યુવાન અને આશાસ્પદ દિકરાના મોતથી રબારી પરિવારજનોમાં શોક વ્યાપી ગયો છે. રાજેશના પિતા રામજીભાઇ પશુપાલન કરી ગુજરાન ચલાવે છે.

(12:26 pm IST)