Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

રાહુલ ગાંધી ભુજમાં: સ્વામિનારાયણ મંદિરે દર્શનનો કાર્યક્રમ

ત્રીજી વખત કચ્છના પ્રવાસેઃ કચ્છની બેઠક ઉપર ભારે રસાકસીનો જંગઃ 'સોફટ હિન્દુત્વ'ની પણ ચર્ચાઃ ૧૮ ટકા મુસ્લિમો ઉપર શું અસર થશે?

ભુજ, તા.૧૮: મોરબી-કચ્છ લોકસભાનો ચૂંટણી જંગ રાહુલ ગાંધીના આજના કચ્છ પ્રવાસને પગલે હવે હાઇપ્રોફાઇલ બની ગયો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ત્રીજી વખત કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. આથી અગાઉ રાહુલ ગાંધી યુવા કોંગ્રેસના કાર્યક્રમ વખતે ભુજોડી અને ભુજ આવી ચુકયા છે, તો હમણાંની વિધાનસભાની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વરણી થઈ તે જ દિવસે અંજારમાં તેમણે જાહેરસભાને સંબોધન કર્યું હતું. જોકે, અંજારની બેઠક ઉપર કોંગ્રેસના અનુભવી ઉમેદવાર વી. કે. હુંબલ લડી રહ્યા હતા પણ રાહુલ ગાંધીની અંજારની મુલાકાત તેમને જીત અપાવી શકી નહોતી અને કોંગ્રેસની હાર થઈ હતી. હવે, આ ત્રીજી મુલાકાત સમયે રાહુલ ગાંધી સમગ્ર દેશમાં કોંગ્રેસનો મુખ્ય ચહેરો બની ચુકયા છે તેમ જ ભાવિ વડાપ્રધાન તરીકે પણ ચર્ચામાં છે. ત્યારે આ વખતે તેમના કચ્છ પ્રવાસમાં પ્રથમ જ વાર એક નવું પરિમાણ ઉમેરાયું છે. રાહુલ ગાંધી આજે મોડી સાંજે ૫ વાગ્યે ભુજ હેલિકોપ્ટર દ્વારા પહોંચ્યા બાદ ભુજના પ્રસિદ્ઘ સ્વામિનારાયણ મંદિરના દર્શને જશે. કોંગ્રેસના આ રાષ્ટ્રીય અધ્યક્ષ કચ્છમાં પ્રથમ જ વાર હીન્દુ મંદિરના દર્શન કરીને ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. જોકે, મોરબી કચ્છ લોકસભા બેઠક ઉપર ૧૭ લાખ મતદારો પૈકી ૧૮ ટકા કચ્છમાં પાટીદાર સમાજની વસ્તી ૧૨ ટકા, કોળી સમાજની ૬ ટકા, આહિર સમાજની ૭ ટકા, ક્ષત્રિય-૬, દલિત-૧૨ અન્ય સમાજની ૩૯ ટકા વસ્તી છે. મતદારો મુસ્લિમ છે ત્યારે રાહુલ ગાંધીનું આ સોફ્ટ હિન્દુત્વ મોરબી કચ્છ લોકસભાની ચૂંટણી ઉપર કોંગ્રેસને ફાયદો કરાવશે કે નુકસાન એ કહેવું અત્યારે મુશ્કેલ છે. પણ, એ વાત એટલી જ ખરી છે કે, રાહુલ ગાંધીનું સોફ્ટ હિન્દુત્વ અત્યારથી જ આ ચૂંટણીમાં કચ્છમાં ચર્ચાનો મુદ્દો બની ગયો છે

(12:14 pm IST)