Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

મોરબીના બુકીઓ પાસેથી એક સાથે ૭૦ ફોન ઉપર વાત થઈ શકે તેવું મશીન અને ૭૨ મોબાઈલ જપ્ત

આદિપુરમાં ઝડપાયેલા આઇપીએલ ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક રાજયવ્યાપી, પોલીસ તપાસમાં નવા ધડાકા થશે

ભુજ, તા.૧૮:  આદિપુરના મૈત્રી બંગલોને ભાડે રાખીને મોરબીના ૧૦ બુકીઓ દ્વારા ચલાવતા ક્રિકેટના સટ્ટા નેટવર્કનો વ્યાપ મોટો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. કચ્છમાં પ્રથમ જ વાર કોઈ બુકીઓ પાસેથી એક સાથે ૭૦ મોબાઈલ ફોન ઉપર વાત થઈ શકે તેવું બોબડી મશીન ઝડપાયું છે. જયારે એક સાથે ૭૨ મોબાઈલ ફોન પણ ઝડપાયા છે. કચ્છ બોર્ડર રેન્જના આઈજી ડી.બી. વાદ્યેલાની સીધી દેખરેખ નીચે ચાલતા સાઇબર સેલ દ્વારા પૂર્વ કચ્છના એસ.પી. પરીક્ષિતા રાઠોડ અને સાઇબર સેલ તેમ જ પૂર્વ કચ્છ એસઓજીના પીઆઇ જે.પી. જાડેજા, એસઓજી તેમ જ પૂર્વ કચ્છ એલસીબીની પોલીસ ટીમ દ્વારા આ સટ્ટા બેટિંગના નેટવર્કનો પર્દાફાશ કરાયો છે.

મોરબીના દસ બુકીઓ પાસે આધુનિક ઇલેકટ્રોનિકસ ગેજેટસ

બુકીઓ પાસેથી ઝડપાયેલા ઇલેકટ્રોનિકસ ગેજેટ્સમાં એક લાખ રૂપિયાના બોબડી મશીન દ્વારા એક સાથે ૭૦ મોબાઈલ ઉપર વાત થઈ શકે છે. તે ઉપરાંત ૭૨ મોબાઈલ ફોન, ૫ લેપટોપ, ૩ એલઇડી ટીવી ઝડપાયા છે. આ સટ્ટા નેટવર્ક એટલું આધુનિક હતું કે, એક સાથે ટેલિફોન લાઈન ઉપર ૧૦ બુકીઓ ગુજરાતના વિવિધ વિસ્તારોના એક સાથે ૭૨ જેટલા બુકીઓના સંપર્કમાં રહીને સટ્ટા બેટિંગ લેતા હતા.

પોલીસે ૪ લાખ ૫૦ હજારના ઇલેકટ્રોનિકસ ગેજેટ્સ ઉપરાંત ૫૪ હજાર રોકડ અને ૨૨ લાખની કાર સહિત કુલ ૨૭ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સટ્ટા બેટિંગનું નેટવર્ક ચલાવનાર ના ૧૦ બુકીઓ (૧) અબ્દુલ હમીદ આદમ ચાનીયા (મોરબી), (૨) ભાવેશ જગદીશ પંડ્યા (રાજકોટ), (૩) મહમદ હનીફ ગુલામ ચાનીયા (મોરબી), (૪) ઇસ્માઇલ નૂરમામદ ચાનીયા (મોરબી), (૫) શૌકત અલ્લારખા ચાનીયા (મોરબી), (૬) રહીમ જુમા ચાનીયા (મોરબી) (૭) યુનુસ કાસમ સંધી (મોરબી), (૮) આસિફ તૈયબ સધામ (મોરબી), (૯) ફારૂક અબુભાઈ પોપટાણી, (ગારીયાધાર) (૧૦) મૌસીમ મહમદ માંજોઠી (મોરબી) ની પોલીસે ધરપકડ કરી છે.

આ કાર્યવાહીમાં પીઆઇ જે.પી. જાડેજા સાથે એસઓજી પીએસઆઇ એન.એમ.રબારી, એલસીબી પીએસઆઇ એમ.એસ. રાણા, એલસીબી પીએસઆઇ એ.પી. જાડેજા અને પોલીસ સ્ટાફ જોડાયો હતો.(૨૩.૯)

(12:13 pm IST)