Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

દરગાહમા તોડફોડ કેસમાં આરોપીઓને નહી પકડે તો સામખિયાળી હાઇવે બંધ કરીને ચક્કાજામ કરાશે: જીજ્ઞેશ મેવાણીનું અલ્ટીમેટમ

કલેકટર કચેરી સામે બેઠેલા મુસ્લિમ સમાજના આગેવાનોની છાવણીની મુલાકાત લેતા મેવાણી

ભુજ :કચ્છના દલિતો માટે લડત કરી જમીન અપાવી અને હવે મુસ્લિમ સમાજની લડતને ટેકો આપવા ભુજ કલેકટર કચેરી સામે ઉપવાસી છાવણીની મુલાકાત લઇ જીજ્ઞેેશ મેવાણીએ ફરી કચ્છમા રાજકીય ધમાસાણ શરુ કર્યુ છે. મુસ્લિમ સમાજની લડતને ટેકો આપતા જીજ્ઞેશે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો ન્યાય નહી મળે તો દરગાહ તોડફોડ મામલે પણ તે ચક્કાજામ કરશે.

    આજે શિકરામા મૃત્યુ પામેલા પાટીદાર પરિવારના મૃતકોને ઘેર સાંત્વના આપીને જીજ્ઞેશ ભુજ પહોંચ્યો હતો.અહીં કલેકટર કચેરી સામે બેઠેલા મુસ્લિમ સમાજના આગેવાનોની છાવણીની મુલાકાત લઈને તેમની દરગાહ તોડફોડની લડતને ટેકો જાહેર કર્યો હતો. તેમની સાથે જીલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ અને અધિકારીઓ પણ જાહેર રજા હોવા છંતા જીજ્ઞેશનુ આવેદન સ્વીકારવા પહોંચી આવ્યા હતા

 જીજ્ઞેશ મેવાણીએ આજે કચ્છના તંત્રને અલ્ટીમેટમ આપ્યુ છે કે,જો સરકાર અને સ્થાનિક તંત્ર દરગાહમા તોડફોડ મામલે આરોપીઓને નહી પકડે તો ફરી સામખીયાળી હાઇવે બંધ કરીને ચક્કાજામ કરાશે. તો, રાજ્યની ભાજપ અને કેન્દ્રની મોદી સરકાર પર બળાત્કાર અને યુવતીઓના શોષણના વધેલા કિસ્સા મુદ્દે ધેરતા જીજ્ઞેશે આકરા પ્રહારો કર્યા હતા કે દેશમાં આક્રોશ છે અને વડાપ્રધાન મૌન છે !! હવે પ્રજા ભાજપને બળાત્કારી અને જાનલેવા પાર્ટી તરીકે જોઇ રહી છે.,નલિયાકાંડના કિસ્સાનો ઉલ્લેખ કરી જીજ્ઞેેશ ગુજરાત સરકાર પર પણ મામલો દબાવવાના આક્ષેપો સાથે તપાસ રીપોર્ટ જાહેર કરવાની માંગ કરી હતી.

   દલિતોના પ્રશ્ર્ને લડત કરી ન્યાય અપાવવા માટે કચ્છમા પડાવ નાંખનાર જીજ્ઞેશ હવે મુસ્લિમ સમાજને ટેકો જાહેર કરી લડતને ઉગ્ર બનાવવાની ગર્ભીત ચીમકી આપી છે,ત્યારે જોવુ રહ્યુ કે, જીજ્ઞેશના ટેકાથી મુસ્લિમ સમાજની લડતને કેટલો ટેકો મળે છે અને કેટલા દિવસોમાં દરગાહ તોડનાર આરોપીઓ ઝડપાય છે?જો કે,જીજ્ઞેશની ચીમકીની સાથે મુસ્લિમ સમાજે પણ કલેકટર કચેરી સામે સામુહિક નમાજ અદા કરવા સાથે ગાંધીનગર સુધી કુચની પણ તૈયારી કરી છે.તો મુસ્લિમ સમાજે દેશમાં વધેલી બળાત્કારની ધટના પ્રત્યે પણ સંવેદનશીલતા દર્શાવી પીડિતો માટે તેઓ દુઆ કરશે તેમ જણાવ્યુ હતુ.

    કચ્છમાં લાંબા સમય બાદ તેજ બનેલ બબ્બે આંદોલનોએ અત્યારે તો સામાજિક અને રાજકીય હલચલ સર્જી દીધી છે.તો, ભાજપ માટે ચિંતા વધારી છે.

(10:19 pm IST)