Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

ગોંડલના મોલમાં ૪૦ લાખની ચોરી કરનાર બંન્ને શખ્સોની પોલીસને ઓળખ મળી

બંન્ને શખ્સો પૈકી એક રીઢો ગુન્હેગાર : બંન્નેને ઝડપી લેવા અલગ અલગ પોલીસ ટીમ દોડાવાઇ

ગોંડલ, તા. ૧૮ : ગોંડલના મોલમાં ૪૦ લાખની રોકડની ચોરી કરનાર બંન્ને શખ્સો સીસી ટીવી કેમેરામાં કેદ થઇ ગયા બાદ પોલીસને આ બંન્ને શખ્સોની ઓળખ મળી જતા બંન્ને તસ્કરોને ઝડપી લેવા ચક્રોગતિમાન કરાયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ કોલેજીયન મોલમાં રાત્રીના કોઇ અજાણ્યા શખ્સોએ મોલની અંદર પ્રવેશી કાઉન્ટરના ખાનામાં રાખેલ ૪૦ લાખ ચોરી કરી જતા મોલના માલિક સલીમભાઇ શકરાભાઇએ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને પીઆઇ રામાનુજ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જાય સીસી ટીવી કેમેરાના ફૂટેજ નિહાળી તપાસ હાથ ધરી હતી.

દરમિયાન આ ચોરીની ઘટના અંગે રૂરલ એસ.પી. અંતરીપ સુદના માર્ગદર્શન હેઠળ ગોંડી ડી.વાય.એસ.પી ડી.એમ. ચૌહાણ, સીટી પી.આઇ. રામાનુજ, રૂરલ એલસીબી તથા રૂરલ એસ.ઓ.જી. સહિતની ટુકડીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

તપાસ દરમિયાન ૪૦ લાખની ચોરી કરનાર બંન્ને શખ્સોની પોલીસને ઓળખ મળી જતા બંન્નેને ઝડપી લેવા અલગ અલગ પોલીસ ટીમો દોડાવાઇ હતી જે પૈકી એક પોલીસ ટુકડીને આ તસ્કરોથી હાથવેંતનું છેટુ રહી ગયું હતું. બંન્ને તસ્કરો પૈકી એક રીઢો તસ્કર હોવાનું ખુલ્યું છે.

મોલમાં ચોરી કરનાર બંન્ને તસ્કરોને ઝડપી લેવા અલગ-અલગ પોલીસ ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વધુ તપાસ પી.આઇ. રામાનુજ ચલાવી રહ્યાં છે. (૮.૯) 

(12:12 pm IST)