Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ધ્રોલનાં જાયવાથી પિયાવા ચોકડી સુધીનાં રોડમાં લોટ-પાણીને લાકડાઃ આંદોલનના એંધાણ

અધિકારીઓ-કોન્ટ્રાકટરની મિલીભગતઃ ધ્રોલ તાલુકા ભાજપનાં પ્રમુખ રાજભા જાડેજાનો આક્રોશ

રાજકોટ  તા. ૧૮:. ધ્રોલ તાલુકાના જાયવા થી પિયાવા ચોકડી સુધીના રોડના કામમાં અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલીભગતથી લોલમ લોલ.. હોવાનો આક્ષેપ શ્રી રાજભા જાડેજા પ્રમુખ ધ્રોલ તાલુકા ભાજપે કર્યો છે. ધ્રોલ તાલુકાના જાયવાથી પિયાવા સુધીનો રોડ સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ છે પરંતુ કોન્ટ્રેકટર અધિકારીઓની મનાતી સાંઠ ગાંઠથી નિચા ભાવે ટેન્ડરો નાખે અને ત્યાર બાદ મરો પ્રજાનો?  એવો સીધો પ્રશ્ન રાજભા જાડેજાએ પૂછયો છે.

તાજેતરમાં જાયવા ગામથી પિયાવા સુધીના રોડનુ કામ કરવામાં આવ્યું છે પરંતુ તે કામની અંદર ખુબજ બેદરકારી દાખવવામાં આવેલ અને એકદમ નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવેલ દર્શાય છે.  સરકાર દ્વારા પુરા ભાવો આપવામાં આવે છે તેમ છતા ચાલતી હરીફાઈમાં નીચા ભાવે ટેન્ડરો નાંખીને નબળા કામો કરવામાં આવે છે. જાયવાથી પિયાવા સુધીના આ રોડ પર અસંખ્ય હેવી વાહનોની અવર જવર છે. ધ્રોલનો બાયપાસ ના હોવાના કારણે રિલાયન્સ અને એસ આરના મોટા ભાગના વાહનો આ રોડ પરથી પસાર થાય છે. પરંતુ રોડની મજબૂતાઈના પ્રમાણમાં મોટા વાહનો ચાલવાના કારણે રોડનો કચરઘાણ નિકળી જાય છે. સરકારમાં પણ આ અંગે વારંવાર મારા દ્વારા રજુઆતો કરીને આ રોડની પહોળાઈ વધારી આને મજબૂત કરવાની માંગણીઓ કરેલ છે. પરંતુ આજ દિવસ સુધી આનો કોઈ ઉકેલ આવેલ નથી.

આસપાસના ગામોના લોકો પણ આ ભારે વાહનોના હિસાબે હાલાકી ભોગવી રહયા છે. આ રોડના કામને લઈને જો યોગ્ય તપાસ કરાવામાં નહી આવે તો આવનારા દિવસોમાં મોટા વાગુદડ, નાના વાગુદડ, જાયવા, સગાડીયા, ધરમપુર, સુધાગુનાના લોકો રસ્તા પર ઉતરી આવે તેવી સ્થિતિ છે. જેથી તાત્કાલિક ધોરણે આ રોડના કામોમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા. અનેક જગ્યાએ નવા રસ્તાને બદલે માત્ર  જેવા તેવા ગાબડા પૂર્યા છે તે અંગે ત્થા છેલ્લા ૪ કી.મી.નું કામ અધુરું છોડી દેવાયાનું અને રોડની બન્ને સાઇડે ધાર રાખી દેવાઇ છે જે મોટો અકસ્માત સર્જે તેવી હોવાની આ પંથકમાં ભારે ચર્ચા છે.  ધ્રોલ તાલુકા ભાજપના પ્રમુખ રાજભા જાડેજાએ માંગણી કરી છે.

(11:44 am IST)