Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

જૂનાગઢમાં જુગાર દરોડામાં મહિલાએ મહિલા કોન્સ્ટેબલને લાફો ઝીંકી દીધો

મહિલા સંચાલિત જુગારધામમાંથી ૭ મહિલા ઝડપાઇ

જૂનાગઢ તા.૧૮: જૂનાગઢમાં જુગાર દરોડામાં એક મહિલાએ મહિલા કોન્સ્ટેબલને લાફો ઝીંકી દઇ ઝપાઝપી કરતા હલચલ મચી ગઇ હતી.

 જો કે પોલીસે મહિલા સંચાલિત જુગારધામમાંથી ૭ મહિલાઓને જુગાર રમતા પકડી પાડી હતી.

આ અંગેની વિગતો એવી છે કે જૂનાગઢમાં બાયપાસ પર આવેલ ગોલ્ડન સીટી બેમાં રહેતી પારૂલ જીજ્ઞેશભાઇ શુકલ નામની મહિલા તેનાં રહેણાંક મકાનમાં જુગાર રમાડતી હોવાની બાતમી મળતા બી ડિવીઝનના પી.એસ.આઇ. ડી.કે. વાઘેલાએ મહિલા પોલીસ કોન્સ્ટેબલ ખુશ્બુબેન હદવાણી સહિતનાં સ્ટાફ સાથે ગઇકાલે સાંંજે પારૂલબેનનાં ઘર પર દરોડો પાડયો હતો.

આ દરમ્યાન જુગાર રમી રહેલી મહિલાઓએ દેકારો કરી અને દોડાદોડી કરવા લાગેલ. અને મકાન મહિલાનું નામ પુછતા પારૂલ શુકલએ મહિલા પોલીસકર્મી ખુશ્બુ હદવાણી સાથે ઝપાઝપી કરી અને ડાબે ગાલે તમાચો માચી દીધો હતો.

આ ધમાલથી સનસની ફેલાઇ ગઇ હતી અને તકનો લાભ લઇ પારૂલ જીજ્ઞેશ તેમજ તેને ત્યાં જુગાર રમવા આવેલ ભાવના કિરીટભાઇ વાળંદ અને દક્ષાબેન દરજી સહિત ત્રણ મહિલા નાસી ગઇ હતી.

જો કે પોલીસે અંકિતા નારણદાસ મેલવાણી, કંચન કાળાભાઇ પરમાર, રંજન કરશનભાઇ, શીતલ વિનુભાઇ, જલ્પા મુકેશભાઇ અને જલ્પા કલ્પેશ સહિત ૭ મહિલાને રૂ. ૧૪૩૨૦ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લઇ કુલ રૂ. ૧૯૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે તમામ મહિલાઓ સામે ધોરણસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:42 am IST)