Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

કાલે ઢેબરા તેરસઃ પાલીતાણા છ ગાઉ યાત્રાઃ ભાવિકો ઉમટશે

શંત્રુંજય પર્વત ઉપર ૧૨૫૦ નાના-મોટા દહેરાસરોઃ કુલ ૩૫૦૦ પગથીયાઃ ૯૭ પાલમાં ઢેબરા, દહિં, લાડવા ગાંઠીયા, ખાખરા, લીલી દ્રાક્ષ, તરબુચ, લચ્છી, તજ- લવીંગ વળીયારીના શરબતો : સૌરાષ્ટ્ર- કચ્છના તમામ જૈન સંઘોમાં શત્રુંજય ભાવ યાત્રા યોજાશેઃ પાલીતાણામાં વિવિધ પાલમાં ભાવિકોની સેવા

રાજકોટ,તા.૧૮: જૈન સમુદાયમાં વિશેષ મહત્વ ધરાવતી શેતુંજય તિર્થની છ ગાઉ યાત્રાનો પ્રારંભ પાલીતાણા ખાતે તા.૧૯ માર્ચને મંગળવારે વહેલી પરોઢે શરૂ થશે. ઢેબરા તેરસ તરીકે ઉજવાતી આ યાત્રામાં લાખો જૈન અને જૈનતરો ઉપરાંત વિદેશી ભાવિકો જોડાશે. ફકત રાજકોટ શહરેમાં જ ૩૫ થી ૪૦ બસો દ્વારા યાત્રાળુઓ પાલીતાણા પહોંચશે.

સમગ્ર જૈન સમાજમાં પાલીતાણા છ ગાંઉ યાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે. એક લોકવાયકા મુજબ ફાગણ શુદ ૧૩ના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના પુત્રો શામ્બા અને પ્રદ્યુમન સાડા આઠ કરોડ મુનિઓ સાથે અનશન કરીને પાલીતાણા પર્વત ઉપર છ ગાઉની પ્રદિક્ષણા કરીને 'મોક્ષ' પદને પામ્યા હતાં. શેતુંજય પર્વત ઉપર સાડા ત્રણ હજાર પગથીયા ચડીને ફકત આજના ફાગણ શુદ ૧૩ના દિવસે જ ખુલ્લો રહેતો કેડી રસ્તો પસાર કરી, આદેશ્વરદાદાના પક્ષાલનું જલ જે કુંડમાં આવે છે. ત્યાં દર્શન કરી, ત્યાંથી અજીતનાથ સ્વામી અને શાંતિનાથ સ્વામીની ડેરીએ યાત્રાળુઓ શાંતિ સ્ત્રોતનું સ્મરણ કરે છે. ચંદન તલાવડીએ ઉકાળેલા પાણીની પ્રસાદી લઈ, હસ્તગીરી તિર્થ અને શિધ્ધશીલા ગુફા, સૂરજ કુંડના દર્શન કરી, કેડી રસ્તે આદપૂર ગામે ખુલ્લા મેદાનમાં વિશાળ જગ્યામાં ઉભા કરાયેલા પાલમાં પહોંચશે. યાત્રા દરમ્યાન રસ્તામાં ઠેર ઠેર પાણીની વ્યવસ્થા, મેડીકલ સહાય, કોલોનવોટરવાળા નેપકીનો, પાણીના ફુવારા, ચુસ્ત બંદોબસ્ત વિ.વ્યવસ્થા શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા કરવામાં આવી રહેલ છે.

કુલ ૩૫ જેટલા ડોમમાં ભાવિક યાત્રાળુઓનું પગના અંગૂઠા ધોઈને બહુમાન કરી, કુમકુમ તિલક કરી, સિકકાઓ દ્વારા બહુમાન કરવામાં આવે છે. અંદાજીત ૫૦થી ૬૦ પ્રભાવના (સિકકા) આપવામાં આવે છે, યાત્રાળુઓ આ રકમ વિવિધ ગૌશાળાની દાનની પેટીમાં પધરાવી દેતા હોય છે.

કાલે તા.૧૯ને મંગળવારે દરેક પાલમાં શુધ્ધ જૈન વાનગીઓમાં ચા- દુધ, તજ- લવીંગનો ઉકાળો, લીબું- વળીયારીનું શરબત, રાજસ્થાની લચ્છી, ઢેબરા, પુરી થેપલા, દહિં, ખાખરા, સેવ- ગાઠીયા- બુંદી, પપૈયાનો સંભારો, લીલી- કાળી દ્રાક્ષ, તરબુચ વિ. વ્યંજનો યાત્રાળુઓને આગ્રાહપૂર્વક આમંત્રીત કરી, પુરેપુરા આતિથ્ય ભાવથી બેસાડીને પીરસવામાં આવે છે. રાજકોટના ૧૪ થી ૧૫ નંબરના બે પાલની વ્યવસ્થા વર્ધમાન નગર સંયુકત અરાધક મંડળના હોદ્દેદારો સેવા આપે છે. જયારે ગાંધીગ્રામ જૈન યુવા મંડળના કાર્યકરો દ્વારા પણ ૮ થી ૧૦ બસોનું ટોકનદરે આયોજન થતું હોય છે.

શેઠ આણંદજી કલ્ૃયાણજીની પેઢીના ટ્રસ્ટી શ્રીપાલભાઈ, સચિનભાઈ, સુદિપભાઈ શેઠ, અમદાવાદના જન.મેનેજર હર્ષદભાઈ મહેતા, પંચાલ સાહેબ, અશ્વિનભાઈ ડી.શાહ, મનુભાઈ શાહ વિ.જહેમત ઉઠાવી રહેલ છે. ડીવાય.એસ.પી. તથા કલેકટર દ્વારા ચુસ્ત બંદોબસ્ત, એસ.ટી.ની વધારાની ૫૦ બસો આખો દિવસ ફેરા કરશે. ડોકટરોની ટીમ, એમ્બ્યુલન્સ, ફીઝીયોથેરાપીસ્ટો વિ.ની સેવાઓ ગોઠવાયેલ છે.

યાત્રાળુઓને આરામ માટે વિશાળ ડોમમાં ગાદલા, પંખા વિ.સુવિધાઓ સાથે આદપૂરમાં ઉભા કરાયેલ દેરાસરમાં સ્નાનવીધી તથા નવા પૂજાના કપડાની જોડની પણ વ્યવસ્થા કરાયેલ છે. આયંબીલ અને એકાસણાના પાલની સાથે ઉકાળેલા પાણીની પણ વ્યવસ્થા કરાયેલ છે.

યાત્રા દરમ્યાન કુલ ૧૨૫૦ નાના- મોટા દહેરાસરના દર્શનો લાભ લેવા માટે સમગ્ર દેશમાંથી લાખો ભાવીકો ઉમટી પડશે. કુલ ૯૭ પાકા પાલમાં, મુંબઈ, વડોદરા, શિહોર, જેસર, વઢવાણ, પાલીતાણા, નોંધણવદર, કલકત્તા, અમદાવાદ, વસલાડ,   દિહોર- રાજસ્થાન, સુરત, રાજકોટ, ડભોઈ, લતીપર, ચેન્નાઈ, ભાવનગર, લીંબડી વિ.સેન્ટરોના કાર્યકરો સેવા ભાવથી ભકિત કરતાં હોય છે. અહિંની આતિથ્ય ભાવના પામવીએ પણ જીંદગીનો મોટો લ્હાવો છે.(૩૦.૨)

 

 

(11:37 am IST)