Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

કચ્છ - મોરબી બેઠક માટે ભાજપના ૪૧ મુરતિયાની દાવેદારી

ઉત્સુક દાવેદારોની રજૂઆત સાથે સંગઠનના આગેવાનો - હોદ્દેદારોની સેન્સ પ્રક્રિયા

ભુજ તા. ૧૮ : ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની જાહેરાતના એક અઠવાડિયાની અંદર ગુજરાત ભાજપની રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર કચ્છ બહારના હશે કે પછી કચ્છના હશે? તે વિશેની ચર્ચાઓ થઈ રહી છે. તેની વચ્ચે ભાજપના પ્રદેશ નિરીક્ષકો દ્વારા કચ્છમાં લોકસભાની ચૂંટણી લડવા ઉત્સુક દાવેદારોની રજુઆત સાથે સંગઠનના આગેવાનો તેમ જ હોદ્દેદારો ની 'સેન્સ'ઙ્ગ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ભુજ માધાપર હાઈ વે ઉપર ખાનગી હોટેલમાં મધ્યે પ્રદેશ નિરીક્ષકો રણછોડભાઈ રબારી, બીપીનભાઈ દવે અને વસુબેન ત્રિવેદીએ આખો દિવસ સૌની રજૂઆતો સાંભળી હતી.

કચ્છ લોકસભા બેઠક માટે સવારે ૧૦ વાગ્યે શરૂ થયેલી સેન્સ ની પ્રક્રિયા રાત્રે ૮ વાગ્યા સુધી ચાલી હતી. જોકે, મોદી મેજીક હજી પણ વરતાતો હોય તેમ ૨૦૧૯ ની કચ્છ ભાજપ વતી લોકસભા બેઠક ની ચૂંટણી લડવા માટે દાવેદારોનો આંકડો ૪૧ જેટલો થયો હતો. બપોરે ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે 'અકિલા' સાથે વાત કરતાં એ અંદેશો આપી દીધો હતો કે, જિલ્લા સંગઠન સમક્ષ ૨૫ જેટલા દાવેદારોએ પોતાના બાયોડેટા સાથે ટિકિટની માંગણી કરી છે.

'સેન્સ'ની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ફાઇનલી દાવેદારોની સંખ્યા હજી વધી જશે. તો, કચ્છ લોકસભા બેઠક ના પ્રભારી દિલીપ ત્રિવેદીએ 'અકિલા' સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી યોજાયેલી લોકસભાની ચૂંટણીઓ પૈકી આ વખતે સૌથી વધુ દાવેદારો છે. જોકે, રાત્રે 'સેન્સ'ની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પ્રદેશ નિરીક્ષકો વતી રણછોડ રબારીએ કહ્યું હતું કે, ઘણા બધા દાવેદારો એ ટિકિટ માંગી છે. પણ, મીડીયાને સત્ત્।ાવાર રીતે ૮ જેટલા દાવેદારોના નામ મુખ્ય ગણાવ્યા હતા.

જેમાં વર્તમાન સાંસદ વિનોદ ચાવડા, પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી, ગાંધીધામ પાલિકાના નગરસેવક જે. પી. મહેશ્વરી, જિલ્લા પંચાયત સભ્ય નરેશ મહેશ્વરી તેમ જ ગોધરા ગ્રામ પંચાયતના વર્ષાબેન કન્નર સહિત અન્ય ત્રણ એમ કુલ ૮ નામો પ્રદેશ અને ત્યાંથી સ્ક્રુટીની થયા બાદ ત્રણ નામની પેનલ રાષ્ટ્રીય કારોબારીમાં મોકલાશે. એટલે કે, ભાજપના ઉમેદવારનું નામ ૧ લી એપ્રિલ સુધી ફાઇનલ થશે. જોકે, કચ્છ બહારના કોઈએ ટિકિટ માટે દાવેદારી નથી કરી. એટલે, ઉમેદવાર કચ્છનો જ હશે. પણ, ફાઇનલ પાર્ટીના મોવડીઓ કરશે.

ગત લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ પોણા ત્રણ લાખ મતથી જીતી હતી અને આ વખતે પણ કચ્છ સહિત સમગ્ર ગુજરાતની ૨૬ એ ૨૬ બેઠક ભાજપ જીતી જશે તેવો દાવો રણછોડભાઈ રબારીએ કર્યો હતો. જે કોંગ્રેસી કાર્યકરો કે આગેવાનો ભાજપ ના સિદ્ઘાંતો નો સ્વીકાર કરવા તૈયાર હોય તેમને સાથે લઈને પણ ભાજપ ચાલવા તૈયાર છે એવું શ્રી રબારીએ જણાવ્યુ હતું. કચ્છ લોકસભા બેઠક હેઠળ આવતા કુલ ૭ વિધાનસભા વિસ્તારો અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર, મોરબી ના ભાજપ આગેવાનો કાર્યકરોની રજૂઆતો પ્રદેશ નિરીક્ષકો એ સાંભળી હતી. સવાર થી સાંજ સુધી વ્યવસ્થા સંભાળવા અનિરૂધ્ધ દવે, શૈલેન્દ્રસિંહ જાડેજા, વલમજી હુંબલ, જીવા શેઠ ખડે પગે હાજર રહ્યા હતા.

 

(11:35 am IST)