Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

હવે ભુજ-મુંબઇ અને મુંબઈ-ભુજ વચ્ચે હવાઈસેવાઓ ઠપ્પ

ભુજ, તા.૧૮: કચ્છ અને કચ્છ બહાર રહેતા હજારો કચ્છી માડુઓ માટે માઠા સમાચાર છે કે, હવે ઇમરજન્સીના સમયમાં હવાઈયાત્રા દ્વારા ભુજથી મુંબઈ જવું હોય કે પછી મુંબઈથી ભુજ આવવું હોય તો તેઓ માટે હવાઈ મુસાફરી કરવાનું હાલ ના તબક્કે અનિશ્ચિત સમય માટે મુશ્કેલ બન્યું છે. છેલ્લા ઘણા સમયથી અનિયમિત રીતે ચાલતી જેટની વિમાની સેવામાં હવે મોટો બ્રેક આવ્યો છે. ગઈકાલ રવિવાર થી જેટ એરવેઝ દ્વારા ભુજ સાથેની વિમાનીસેવાઓ ૩૧ માર્ચ સુધી સ્થગિત કરી દેવાઈ છે અને એપ્રિલ મહિનાની ટિકિટો બ્લોક કરી દેવાઈ છે. એટલે,કે ટિકિટ ઇસ્યુ થતી નથી. પરિણામે, ભુજ-મુંબઈ અને મુંબઈ-ભુજ વચ્ચેની હવાઈસેવા અનિશ્યિત સમયગાળા સુધી ખોરવાઈ જવાનો ભય ઉભો થયો છે. છેલ્લા ઘણા સમયથી દરરોજની બે ફલાઇટ માંથી એક ફ્લાઇટ ચાલુ રાખનાર જેટ એરવેઝે હવે ભુજની બન્ને ફલાઈટો ૩૧ માર્ચ સુધી બંધ કરવાની જાહેરાત કરીને ટિકિટ બુકીંગ કરાવનાર પ્રવાસીઓને પૈસા પાછા આપવાનું શરૂ કરી.દીધું છે. શનિવાર અને રવિવારે એકાએક ફ્લાઇટ રદ્દ કરાયા પછી રખડી પડેલા પ્રવાસીઓને પ્રવાસ માટે અન્ય વિકલ્પ આપવાને બદલે હાથ ઊંચા કરી દેવાયા હતા. જોકે, ભુજ એરપોર્ટ ઉપર ડખ્ખો કરાયા બાદ પ્રવાસીઓને પોતાના ખર્ચે રાજકોટ અથવા તો અમદાવાદ પહોંચવાનું જણાવી ત્યાંથી મુંબઈ પહોંચવાની વ્યવસ્થા માંડ માંડ કરાઈ હતી. પણ, હવે તો વિમાની પ્રવાસ ની ટિકિટ બુક કરાવનાર પ્રવાસીઓને પરત ટિકિટના રૂા આપવાનું અથવા તો સ્વખર્ચે રાજકોટ/અમદાવાદ પહોંચીને ત્યાંથી મુંબઈ ની ટિકિટ એડજેસ્ટ કરવા માટે ની સૂચના અપાઈ રહી છે. જેટ એરવેઝની આર્થિક હાલત ખરાબ છે અને તે પણ કિંગફિશર એરલાઇન્સની જેમ દેવાળું ફૂંકી રહી છે. કોર્પોરેટ વર્તુળોના જણાવ્યા પ્રમાણે જેટ એરવેઝનું દેવું વધીને ૮ હજાર કરોડ રૂા. થઈ ગયું છે. કંપનીના ૧૧૯ વિમાનો પૈકી ૫૩ વિમાનો ગ્રાઉન્ડ થઈ ગયા છે, એટલે કે જમીન ઉપર જ રાખી દેવાયા છે. અત્યારે જેટ એરવેઝની વિમાની સેવા અનિશ્યિત સમય માટે બંધ થયા બાદ ભુજ માં હવે દર સોમવારે એર ઇન્ડિયાની વિમાની સેવા જ ચાલુ રહેશે. અઠવાડિયામાં માત્ર એક જ દિવસ આવતું એર ઇન્ડિયાનું પ્લેન માત્ર ૬૫ સીટર છે. લોકોની સુવિધા માટે હવે એર ઇન્ડિયા પહેલાની જેમ જ દરરોજ વિમાની સેવા શરૂ કરે તેવી માંગણી ઉઠી રહી છે. તો, સાંસદ, ધારાસભ્યો અને વ્યાપારી સંસ્થાઓ તેમ જ રાજકીય સામાજિક આગેવાનો પણ નિયમિત વિમાની સેવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરે તે જરૂરી છે. ઔદ્યોગિક વિકાસ અને પ્રવાસન ક્ષેત્રના વિકાસ પછી જે ભુજ એરપોર્ટ ઉપર દરરોજના બબ્બે બોઇંગ વિમાન આવતા હતા તે ભુજ એરપોર્ટ હવે વિમાનીસેવાઓ થી વંચિત થઈ જતાં લોકોની મુશ્કેલી વધશે. વિમાનીસેવાઓના ઇતિહાસમાં ભુજના હવાઈભાડા ઊંચા રહ્યા છે ત્યારે પ્રવાસીઓની અવરજવરને ધ્યાને લઈને એર ઇન્ડિયા સિવાય અન્ય ઈન્ડિગો કે સ્પાઇસ જેટ જેવી અન્ય કંપનીઓ કે ટાટા દ્વારા સંચાલિત એર એશિયા જેવી એરલાઇન્સને પણ વ્યાજબી હવાઈભાડા સાથે ભુજ માટે લાંબાગાળાના આયોજન માટે વિમાનીસેવાઓ શરૂ કરવા સમજાવવું જોઈએ, મૂળ સમસ્યા અહીં ઇમરજન્સી ના સમયમાં મુશ્કેલીને ટાળવાની છે. કારણ કચ્છ માં મોટાભાગે વડીલો રહે છે અને તેમના સંતાનો કચ્છ બહાર દેશ દેશાવરમાં રહે છે, તેમને ઇમરજન્સીના સમયમાં ઝડપથી પહોંચવાનો પ્રવાસનો આધાર બંધ થઈ રહ્યો છે.

 

(11:29 am IST)