Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ચોટીલાના રાજપરા ગામની સીમમાં કૂવામાં દીપડો ખાબકયો

વઢવાણ તા. ૧૮ : ચોટીલાના રાજપરા રેશમિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી જનાવર ની અવરજવર રહેતી હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભય હોય છે ત્યારે વધુ એક દીપડાએ દેખા દીધી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના રાજપરા ગામની સીમમાં આવેલી વિહા ભાઇ ની વાડી માં દીપડો લટાર મારી રહ્યો હતો તે સમયે વહેલી સવારનું અંધારું હોવાના કારણે અને ખોરાકની શોધમાં ફરતા દીપડાને કુવો ન દેખાતા આ દીપડો કૂવામાં ખાબકયા પામ્યો હતો.

આ બાબતની જાણ વાડીના માલિક વિહાભાઇ ને થતા વાડીએ ગયા હતા અને વન વિભાગનો સંપર્ક સાધ્યો હતો. અધિકારીઓ તાત્કાલિક વાડીએ પહોંચી ગયા હતા અને દીપડાનો રેસ્કયુ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે આ દીપડો કૂવામાં પડયો હોવાના કારણે બહાર કાઢવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ ભારે જહેમત બાદ દીપડો કૂવામાં થી જ પાંજરે પુરી અને બહાર કાઢવામાં આવ્યો હતો.

અંધારામાં દીપડાને કુવો ન દેખાતા અને ખોરાકની શોધમાં નીકળેલા દીપડો કૂવામાં ખાબકયો હોવા નું અનુમાન કરવામાં આવી રહ્યું છે ત્યારે હાલમાં આ દીપડાને સલામત સ્થળે વનવિભાગ દ્વારા મૂકવામાં આવ્યો છે ત્યારે દીપડો પાંજરામાં પુરાયા બાદ ગ્રામજનોએ રાહતનો શ્વાસ અનુભવ્યો છે.

(12:07 pm IST)