Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

કિસાન સુર્યોદય યોજના હેઠળ ભાણવડ તાલુકાના ૩૭ ગામના ખેડૂતોને હવે દિવસે વિજળી

દેવભૂમી દ્વારકા તા.૧૮ : સરકારશ્રીની કિસાન સુર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને દિવસે વિજળી મળી રહી છે. ત્‍યારે ભાણવડ તાલુકાના ૩૭ ગામના ખેડૂતોને દિવસે વિજળી મળી રહે તે માટે રાજયના અન્‍ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજાએ ભાણવડ તાલુકાના જામપર ગામેથી આ યોજનાનો શુભારંભ કરાવી જણાવ્‍યું હતું કે રાજય સરકારે ખેડુતોના હિતમાં અનેક મહત્‍વના નિર્ણય લીધા છે. જેમાં કિસાન સુર્યોદય યોજના વિજક્રાંતીની ઐતિહાસિક યોજના છે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ઓકટોબરમાં આ યોજનાનો શુભારંભ કરાવ્‍યો હતો તેમજ બીજા તબકકામાં મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉના ખાતેથી આ યોજનાનો પ્રારંભ કરાવ્‍યો. આગામી સમયમાં ગુજરાતના દરેક ગામડાઓમાં દિવસે વિજળી મળશે.

આ પ્રસંગે ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન શ્રી મુળુભાઇ બેરાએ જણાવ્‍યું કે કિસાન સંઘ તથા ધારાસભ્‍યો, ખેડુત આગેવાનોની સતત રજુઆતને ધ્‍યાને લઇ વિજયભાઇ રૂપાણીની સરકારે રૂા.૩૫૦૦ કરોડના ખર્ચે કિસાન સુર્યોદય યોજના અમલી બનાવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ખીમભાઇ જોગલએ વિવિધ યોજનાની જાણકારી આપી સરકારશ્રીનો આભાર વ્‍યકત કર્યો હતો. પુર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પાલભાઇ કરમુર તથા શ્રી પી.એસ. જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન આપ્‍યા હતા.

કાર્યક્રમના પ્રારંભે પીજીવીસીએલના નાયબ ઇજનેરશ્રી કરમુરએ સ્‍વાગત પ્રવચન તથા પીજીવીસીએલના શ્રી મેકવાને આભારવિધી કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી મયુરભાઈ ગઢવી, જિલ્લા પંચાયત સદસ્‍ય વી ડી મોરી, જેઠાભાઈ  છુંછર, ભાણવડ નગર પાલિકા પ્રમુખ સંજય કણઝારીયા, જામપરના સરપંચશ્રી ગોવિંદ ભાટીયા, અગ્રણી સજણભાઇ, હમીર કનારા, ગોવિંદ કાનારા, પીજીવીસીએલ/ જેટકોના અધિકારી કર્મચારી તથા આજુબાજુના ગામના ખેડુતો ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:05 am IST)