Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

એલઆરડીની પરીક્ષામાં બે પુત્રોને

અન્યાયથી વ્યથિત થઇ આપઘાત કરનાર જૂનાગઢના આધેડનો મૃતદેહ બીજા દિવસે પણ નહિં સ્વીકારતાં તંત્ર મુંઝવણમાં

રબારી સમાજ લાલધુમ, રાજયભરનાં સમાજનાં લોકો આજે જૂનાગઢમાં

જુનાગઢ તા. ૧૮: જુનાગઢની સહાયક વિદ્યા સહાયક નિરીક્ષકની કચેરીમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા મ્યાંજરભાઇ મુંજાભાઇ હુણનો મૃતદેહ આજે બીજા દિવસે પણ સ્વીકારવામાં ન આવતાં તંત્ર મુંઝવણમાં મુકાય ગયું છે.

જૂનાગઢનાં રાયકાનગર વિસ્તારમાં રહેતાં મ્યાંજરભાઇએ ગઇકાલે કચેરીમાં જ પંખા સાથે વીજ વાયરથી લટકીને ગળાફાંસો ખાઇ લીધો હતો.

આ અંગેની જાણ થતાં પી.એસ.આઇ. ડી. જી. બડવા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પી. એમ. માટે મોકલી આપ્યો હતો.

મૃતકની એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં મ્યાંજરભાઇનાં બે પુત્રો રાજુ અને સંજયને એલઆરડીની ભરતીમાં અન્યાય થયો હોય જેથી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ હતો.

આ અંગેની જાણ થતાં રબારી માલધારી સમાજના આગેવાનો તેમજ ૬ ભુવા આતા દોડી ગયા હતા અને ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.

આધેડનાં આપઘાત અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ચોરવાડનાં પ્રવાસ દરમ્યાન દુઃખ વ્યકત કરી તપાસની ખાત્રી આપી હતી.

મૃતક મ્યાંજરભાઇનો નાનો પુત્ર સંજય ગાંધીનગર ખાતે એલઆરડીની ભરતીનાં પ્રશ્ને ચાલતા ઉપવાસ આંદોલનમાં બે દિવસથી જોડાયો છે.

દરમ્યાનમાં આજે પણ મ્યાંજરભાઇનાં મૃતદેહને સ્વીકારવામાં ન આવતાં તંત્ર મુંઝવણમાં મુકાય ગયું છે. ગઇકાલે કલેકટર ડો. સૌરભ પારધી, એસપી સૌરભસિંઘ સહિતનાં વરિષ્ઠ અધિકારીઓએ ઘટતું કરવાની ખાત્રી આપી સમાજનાં લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો આજે પણ સમજાવટનાં પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે.

આજે રાજયભરનાં સમાજનાં લોકો જુનાગઢ સિવીલ હોસ્પિટલ ખાતે આવી રહ્યા છે અને ગાંધીનગર જઇ ઉચ્ચ કક્ષાએ ન્યાય મેળવવા રજુઆત કરવાની વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળેલ છે.

(1:06 pm IST)