Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

પોરબંદરમાં ઓવરબ્રીજ ઉપરથી ઝંપલાવનાર હિમાના આપઘાતનું ચોક્કસ કારણ શોધવા પોલીસની મથામણ

ઠાકોરજી ઉપર અતૂટ શ્રધ્ધા ધરાવનાર અને મૂર્તિ હાથમાં રાખીને આપઘાતથી આશ્ચર્યઃ જે કરવા જાઉં છું એ મારો પોતાનો ડિસીઝન છે એમાં કોઇનો હાથ નથી વાંક નથી... મને માફ કરશો... આપઘાત પહેલા વોટ્સએપમાં સ્ટેટ્સ મુકી આપવીતી જણાવી

પોરબંદર તા. ૧૮ : ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતી હિમા મુકેશભાઇ કોટેચા (ઉ.૨૯)એ ઓવરબ્રીજ ઉપરથી ઝંપલાવીને આપઘાત કરેલ તેનું ચોક્કસ કારણ જાણવા પોલીસ મથામણ કરી રહેલ છે. ઠાકોરજી ઉપર અતૂટ શ્રધ્ધા ધરાવનાર અને મૂર્તિ હાથમાં રાખીને હિમાએ કરેલ આપઘાતથી આશ્ચર્ય ફેલાયું છે. આપઘાત કરતા પહેલા વોટ્સએપમાં મુકેલ સ્ટેટસમાં જે કરવા જાઉં છું એ મારો પોતાનુ ડિસીઝન છે એમાં કોઇનો હાથ નથી કોઇનો વાંક નથી મને માફ કરશો તેમ લખ્યું છે.

માર્કેટીંગ યાર્ડમાં અનાજ કરિયાણાનો હોલસેલ ધંધો કરતા મુકેશભાઇ કોટેચાની પુત્રી હિમા (ઉ.વ.૨૯)એ નરસંગ ટેકરી પાસે આવેલા સ્પ્લીટ ફલાય ઓવરબ્રીજ પરથી ઝંપલાવી દેતા ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં મૃતકના પિતા સહિતના પરિવારજનોએ અને આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. મૃતકનાં પિતા મુકેશભાઇએ પોલીસને જણાવ્યું કે મૃતક યુવતી હિમા ફાયનાન્સમાં નોકરી કરતી હતી. તેણે સવારે નિત્યક્રમ મુજબ ઘરેથી નીકળી ગિરીરાજજીની હવેલીએ દર્શન કર્યા હતા. બાદમાં થોડીવાર પછી તેના પિતાને ફોન કરી રોકડીયા હનુમાન મંદિરે દર્શન કરવા જાઉં છું. સ્કુટરમાં પંકચર પડયું છે તેથી એ રોડ ઉપરથી તમે લઇ લેજો તેમ કહ્યું હતું.

પુત્રી કયારેય એ બાજુ હનુમાન મંદિરે દર્શન કરવા જતી ન હોય આ વાત સાંભળતાની સાથે જ તેને શંકા જતા કંઇક અજુગતુ થવાનું લાગતા તે બીજી પુત્રી સાથે તપાસ કરવા જતા બનાવની જાણ થઇ હતી. આ બનાવમાં મૃતક યુવતી હિમાએ આપઘાત પહેલા વોટ્સએપમાં સ્ટેટ્સ મુકી આપવીતી જણાવી હતી. જેમાં લખ્યું હતું કે, જયશ્રી કૃષ્ણ, ભગવાન તમને બધાને સુખી કરે, મારાથી જાણતા અજાણતા કોઇને પણ કાંઇ કહેવાઇ ગયું કાંતો કાંઇપણ ખોટું થઇ ગયું હોય તો મને માફ કરશો, આજે હું જે કરવા જાવ છું એ મારા પોતાનુ ડિસીઝન છે. એમાં કોઇનો કાંઇ હાથ નથી, કોઇનો વાંક નથી, મને માફ કરશો, આજે હું કરવા જાવ છું એ કરવાનો મને કાંઇ હક્ક નથી પણ હવે મારી પાસે કોઇ ઓપશન નથી એન્ડ જો હું આ નહી કરૂ તો બધા દુખી થશે આખુ ઘર મારે લીધે હેરાન થશે, જે કાંઇ થયું એ ભુલીને આગળ વધી જજો, ને હા પ્લીઝ મારા પાછળ કોઇ કંઇના કરતા, મારે કંઇ નથી જોઇતુ, કંઇ નહીં... આ જીદ મારી પુરી કરી દેજો પ્લીઝ મારો એક પીકચર પણ ઘરમાં નહી રાખતા, મારી એક પણ વસ્તુ ના રહેવી જોઇએ ઘરમાં આ બધી મારી છેલ્લી ઇચ્છા છે એમ માનીને પુરી કરી દેજો હું તમને કોઇને કાંઇ નહી દઇ શકુ મને માફ કરશો. હું નહી રહી શકુ આમ ઘુરી ઘુરીને જીવવું, મારામાં હવે શકિત નથી ભગવાન પાસે એક જ પ્રાર્થના છે કે મારા જેવું સંતાન ના આપે, ઓમ શાંતિ, જયશ્રી ક્રિષ્ના તેમ લખેલું હતું.

મૃતદેહને પી.એમ. માટે લવાયો ત્યારે તેના પિતાએ જણાવ્યું કે, તેમની પુત્રીએ ઠાકોરજીની મૂર્તિ હાથમાં રાખી આત્મહત્યા કરી છે. તે નીચે પડી ત્યારે ત્યાંથી મૂર્તિ પણ મળી આવી હતી. જો કે ઠાકોરજી પર અતૂટ શ્રધ્ધા રાખનારી પુત્રીએ શા માટે પગલુ ભર્યું તે સમજાતુ નથી. હાલ પોલીસે જરૂરી કાગળો કરી બનાવ પાછળનું ચોક્કસ કારણ જાણવા મથામણ કરી તપાસ ચાલુ કરી છે.

(11:25 am IST)