Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ઝેર પી લેનાર ગુલાબ બાદ કાજલનું પણ મોત

વિસાવદરના દુધાળા ગામે પ્રેમપ્રકરણની કરૂણાંતિકા... : બંને યુવતિઓના એકાંતનો ભાંડો ફૂટતા વખ ઘોળી લીધાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ

 જુનાગઢ, તા. ૧૮ : વિસાવદરના દુધાળા ગામની ગુલાબ બાદ કાજલ નામની યુવતિનું પણ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.  બંને યુવતિના મોતના પ્રકરણમાં બંનેનો પ્રેમી યુવાનો સાથેના એકાંતનો ભાંડો ફુટતા બંને યુવતિએ ઝેરી દવા ગટગટાવી હતી. તેવી વિગતો પોલીસ તપાસમાં બહાર આવી હોવાનું જાણવા મળેલ છે.

વિસાવદર તાલુકાના દુધાળા ગામની બે પિતરાઇ બહેનો ગુલાબ રમેશભાઇ ખીમાણીયા (ઉ.વ.૧૯) અને કાજલ મુન્નાભાઇ આંત્રોલીયા (ઉ.વ.ર૦) ગઇકાલે તેમની વાડીએ મજૂરી કામ કરતી હતી ત્યારે બંને કોળી પિતરાઇ બહેનોને ગામના બે શખ્સોએ ઝેરી દવા પીવડાતા બંનેને તાત્કાલીક જુનાગઢની સીવીલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ.

જયાં ગુલાબને મરણ જાહેર કરવામાં આવી હતી. દરમ્યાનમાં મોડી રાત્રે કાજલ નામની યુવતિનું પણ મોડી રાત્રે મૃત્યુ થતાં મૃત્યુ આંક વધીને બે ઉપર પહોંચ્યો હતો.

આ બનાવના પગલે વિસાવદરના ઇન્ચાર્જ પી.આઇ. બી.કે. પરમાર સ્ટાફ સાથે તાત્કાલીક દોડી ગયા હતા. ગઇકાલે પ્રારંભમાં દુધાળા ગામના જે ભાવેશ ભરત કોળી અને કાના ભગુ કોળીએ આવી બંને યુવતિને ભાગી જવાનું કહેલ.

પરંતુ મામા-ફઇની બંને પિતરાઇ બહેનોએ જણાવેલ કે અમારી સગાઇ થઇ ગઇ હોય અમારે ભાગવું નથી તેમ કહેતા બંને કોળી શખ્સોએ બંને કોળી બહેનોને છરીની અણિએ ઢસડી વાળ પકડીને ઝેરી દવા પાઇ દઇને બંને ઇસમો નાસી ગયા હતાં.

આ દરમ્યાન ગુલાબ અને કાજલે દેકારો કરી મુકતા ખેતરમાં કામ કરતા પરિવારજનો દોડી ગયા હતા અને બંને યુવતિ ગંભીર હાલતમાં વિસાવદર ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ.

જેમાં પ્રથમ ગુલાબ મોતને ભેટી હતી અને બાદમાં ગઇ મોડી રાત્રે કાજલ પણ મૃત્યુ પામી હતી.

પી.આઇ. પરમારે ત્વરીત ઉંડી તપાસ હાથ ધરતા મરનાર યુવતિઓ તેમના ખેતરના શેઢે તેમના પ્રેમીઓને મળવા ગઇ હતી અને ઠપકો આપતા માઠુ લાગી આવતા ગુલાબ અને કાજલે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેમાં બંન્નના મોત નિપજયા હતાં. આ પ્રમાણેની માહિતી પોલીસ તપાસમાં બહાર આવી હોવાનું પી.આઇ. શ્રી પરમારે જણાવ્યું હતું.

(3:38 pm IST)