Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

જામનગરમાં માવતરેથી પૈસા લાવવા દબાણ કરી રાજકોટના પારૂલબેન ભરવાડાને ત્રાસ

એન્જીનિયર પતિ સાહિલ, સાસુ નીનાબેન અને સસરા વિજયભાઇ સામે ફરિયાદ

રાજકોટ તા.૧૮: જામનગરમાં રહેતી વણિક પરિણીતાને એન્જીનિયર પતિને દેણુ થઇ જતાં પતિ, સાસુ, સસરા માવતરેથી પૈસા લઇ આવવા દબાણ કરી ત્રાસ આપતા હોવાની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ નટરાજનગર પાછળ કૈલાશ પાર્ક શેરીનં. ૯માં માવતરે આવેલા પારૂલબેન સાહિલ ભરવાડા (ઉ.વ.૩૫) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં પતિ સાહિલ વિજય ભરવાડા, સાસુ નીનાબેન ભરવાડા અને સસરા વિજય ભરવાડાના નામ આપ્યા છે. પારૂલબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતાના બાર વર્ષ પહેલા જામનગરમાં રહેતો સાહિલ ભરવાડા સાથે પ્રેમલગ્ન થયા હતા. લગ્ન બાદ પોતે પતિ, સાસુ અને સસરા સાથે  સંયુકત કુટુંબમાં રહેતા હતા. પતિ સાહિલ જામનગરમાં આવેલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સેફટી એન્જીનિયર તરીકે નોકરી કરતા હતા અને પતિને ખરાબ સોબતના કારણે તેના પર દેવુ વધી જતા પતિ, સાસુ અને સસરા પોતાને પિયરમાંથી પેૈસા લઇ આવવા માટે દબાણ કરતા હતા. તેઓની માંગણી મુજબ પોતે માવતરેથી પૈસા લઇ આવતા હતા. થોડો સમય તેઓ પોતાને સારી રીતે રાખતા બાદ કોઇ ઘરે પૈસાની ઉઘરાણી કરવા માટે આવે ત્યારે પતિ તથા સાસુ-સસરા પોતાને પિયરમાંથી પૈસા લઇ આવવા માટે દબાણ કરતા જો પોતે ના પાડે તો ત્રણેય મારકુટ કરતા હતા. ૨૦૧૨માં દેવુ વધી જતા ઘરેથી ભાગી ગયેલ અને તે કયાં છે તે બાબતે સાસુ સસરા જાણતા હોઇ તેઓને પતિ બાબતે પુછતા ખબર નથી તેમ કહીને 'તારા કારણે મારો દિકરો ઘરેથી જતો રહેલ છેે' તેમ મેણાટોણા મારી મારકુટ કરતા હતા. પતિના ગયા બાદ પોતે સાસુ-સસરા સાથે એક વર્ષ રહયા બાદ બંનેએ માર મારીને ઘરમાંથી પહેરેલ કપડે કાઢી મુકતા પોતે રાજકોટ માવતરના ઘરે રહે છે. આથી પતિ, સાસુ અને સસરાના ત્રાસથી કંટાળી પોતે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ આઇ.એમ. ઝાલાએ તપાસ આદરી છે.

(2:57 pm IST)