Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ચોટીલા નગરપાલિકામાં પક્ષ પલ્ટો કરનાર ચાર કોંગી કોર્પોરેટરો અને ચીફ ઓફિસરને ગાંધીનગરનું તેડુ

જનુબેન ધોરીયા, સંજય કણસાગરા, ભાનુબેન મકવાણા, દેહાભાઇ ચૌહાણે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરતા કોંગ્રેસે તમામને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરી અને ચારેય સામે રાજ્ય સરકારમાં ફરિયાદ કરી હતી : ૨૪મીએ ચારેય સભ્યોએ સરકારને જવાબ આપવાની મુદ્દત

સુરેન્દ્રનગર તા. ૧૮ : ચોટીલા નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણીમાં પક્ષપલટો કરીને પક્ષ વિરૂદ્ઘ કાર્ય કરનાર કોંગ્રેસના ચાર સભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદ શહેર પ્રમુખે ગુજરાત રાજયના અધિકારી અને સચિવ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરમાં ફરિયાદ દાખલ કરાઇ હતી.  જેમાં આ ચાર સભ્યો તેમજ ચીફઓફિસરને તા. ૨૪ જાન્યુઆરીએ ગાંધીનગરનું તેડુ આવતા પંથકના રાજકારણમાં ચકચાર ફેલાઇ છે.

આ અંગે કોંગ્રેસ શહેર પ્રમુખ અજયભાઈ સામંડે જણાવ્યું કે નગરપાલિકાની અઢી વર્ષની ટર્મ પુરી થતા મધસ્થ ચૂંટણીમાં કોંગ્રેસનું મેન્ડેટ લઈને જીતીનાર જનુબેન સામંતભાઇ ધોરીયા, સંજયભાઈ રવજીભાઈ કણસાગરા, ભાનુબેન પ્રવીણભાઈ મકવાણા તેમજ દેહાભાઈ રૂપાભાઈ ચૌહાણએ મધસ્થ ચૂંટણીમાં ભાજપનો કેસરિયો પહેરીને પક્ષ તેમજ જનતા સાથે દગો કર્યો હતો. આથી તેઓને પક્ષ તરફથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કર્યાની નોટિસ આપી હતી.

ત્યારબાદ આ ચારેય સભ્યો સામે ગાંધીનગર ફરિયાદ દાખલ કરી હતી. જેના અનુસંધાને તા.૨૪-૧-૨૦૧૯ના રોજ ચોટીલા નગરપાલિકા ચીફ ઓફિસરને મુદતે અસલ રેકર્ડ સાથે અને આ ચારેય સન્સ્પેન્ડ સભ્યોએ જવાબ આપવા માટેની પહેલી મુદત આવી છે. આમ આ સભ્યો તેમજ પાલિકાના ચીફ ઓફિસરને ગાંધીનગરનું તેડું આવ્યું છે.(૨૧.૧૨)

(11:53 am IST)