Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

હત્યાની કોશિષના ગુનામાં માંડવી ભાજપના નગરસેવકને સાત વર્ષની સજા : પાંચ આરોપીનો છુટકારો

 ભુજ તા. ૧૮ : પાંચ વર્ષ પહેલાં તા. ૧૩ ઓગસ્ટ ૨૦૧૩ના માંડવીના ભીડ ચોકમાં બનેલા મારામારી, હુમલા અને હત્યાના પ્રયાસના કેસમાં ભુજ સેશન્સ કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. આ ગુનામાં ઇમરાન સાલેમામદ ઓઢેજા અને રફીક કાદર ગરાણા ઉપર હુમલો થયો હતો. જે અંતર્ગત કેસ ચાલી જતા ભુજ ના અધિક સેશન્સ જજ એમ.એમ. પટેલે ૩૧ સાક્ષી અને ૨૪ દસ્તાવેજી પુરાવા તપાસી ૮૭ પાના નો ચુકાદો આપ્યો હતો.

જેમાં માંડવી ભાજપના નગરસેવક ખુશાલ ઉર્ફે મુકેશ હંસરાજ જોશીને હત્યાના પ્રયાસ અને હુમલામાં મુખ્ય તકસીરવાર ઠેરવીને સાત વર્ષ ની કેદ ની સજાનો હુકમ કર્યો હતો. જયારે અન્ય પાંચ આરોપીઓ સુરેન્દસિંહ મનુભા રાઠોડ, કિશોર હંસરાજ જોશી, કાંતિ ચંદ્રકાન્ત માલમ, રવિ રમેશ જોશીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

ચુકાદા બાદ તુરતજ આરોપી નગરસેવક મુકેશ જોશીની ધરપકડ કરી પોલીસે પાલારા જેલમાં મોકલી આપ્યો હતો. બન્ને ઇજાગ્રસ્તોને ૨૫/૨૫ હજારનું વળતર ચૂકવવા પણ આદેશ કરાયો હતો. સુનાવણી માં સરકારી વકીલ સુરેશ મહેશ્વરી, ફરિયાદ પક્ષે વકીલ આર. એસ. ગઢવી રહ્યા હતા.

 

(11:47 am IST)