Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

પડધરીના સુવાગ ગામમાં ૧૬ વર્ષના ગોવિંદે બે કિલો લાડવા લાવી બધાને ખવડાવ્યા બાદ જિંદગી ટૂંકાવી!

મુળ દાહોદ ધાનપુરના આદિવાસી પરિવારનો પુત્ર નવમુ ધોરણ ભણતો'તોઃ કારણ અંગે પરિવારજનો અજાણ

રાજકોટ તા. ૧૭: પડધરીના સુવાગ ગામે પરષોત્તમભાઇ કુંવરજીભાઇ પટેલની વાડીમાં પરિવારજનો સાથે રહી ધોરણ-૯માં અભ્યાસ કરતાં મુળ દાહોદ ધાનપુરના ગોવિંદ ભરતભાઇ નિનામા (ઉ.૧૬) નામના આદિવાસી તરૂણે ગઇકાલે સાંજે વાડીએ મોનોકોટો નામની દવા પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

ગોવિંદ સાંજે વાળુ ટાણે ઉલ્ટીઓ કરવા માંડતા પરિવારજનોએ તપાસ કરતાં કપાસમાં છાંટવાની દવા પી લીધાની ખબર પડી હતી. પડધરી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇ ડાંગરે પડધરી પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર ગોવિંદ ચાર ભાઇ અને ચાર બહેનમાં ત્રીજો હતો. માતા-પિતા તથા ભાઇ-બહેનો સાથે લાંબા સમયથી સુવાગ ગામે રહેતો હતો અને નવમુ ધોરણ ભણતો હતો. તેના પરિવારજનના કહેવા મુજબ બપોર બાદ ગોવિંદ ભણીને ઘરે આવ્યા પછી વાડી માલિક પાસેથી પૈસા લઇ બે કિલો લાડવા લઇ આવ્યો હતો અને બધાને ખવડાવ્યા હતાં. બાદમાં સાંજે તેને વાળુ કરવા બોલાવવા જતાં તે ઉલ્ટીઓ કરતો જોવા મળતાં ઝેર પીધાની ખબર પડી હતી. બેભાન હાલતમાં જ મોત થયું હોઇ કારણ બહાર આવ્યું નથી. પડધરી પોલીસ વધુ તપાસ કરે છે. (૧૪.૯)

(11:51 am IST)