Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

સોમનાથ મહાદેવ સાનિધ્યે શિવ મહાપુરાણ કથા

પ્રભાસપાટણ તા ૧૭ : ભારતના બાર જયોતિલિંગમાં પ્રત્યેક વરસે દર એક જયોતિલિંગમાં યોજાતી દ્વાદશ જયોતિલિંગ મંડળ સુરત આયોજીત આ કથા ૧૧ જયોતિલિંગમાં યોજાઇ ચુકી છે અને આજથી ભારતના બાર જયોતિલિંગમાના પ્રથમ ભગવાન સોમનાથ સાનિધ્યમાં કરાયુંં સુંદર આયોજન કથા સાથે આત્મીયતા ધરાવતા અને દ્વાદશ જયોતિલિંગ મંડળ સુરતના ૪૦૦ થી વધુ શિવભકત ખાસ સુરતથી સોમનાથ પધારી શિવભકિતમાં લીન થશે.

તા. ૧૭-૧૨-૧૮ થી તા. ૨૫-૧૨-૧૮ સુધી યોજાનારી આ કથાના વ્યાસપીઠે નવાગામ કાલાવડ સોૈરાષ્ટ્રના શિવરાગી પ.પૂ. સંતશ્રી હંસદેવગીરી બાપુના સુમધુર કંઠે સંગીતના સથવારે આ શિવકથામૃતનું રસપાન કરાવશે. કથાનો સમય તા. ૧૭-૧૨ થી ૨૪-૧૨ સુધી સાંજે ૩ કલાકથી ૬.૩૦ કલાક સુધી અને તા.૨૫-૧૨-૧૮ ના રોજ સવારે ૯.૦૦ થી ૧૨.૩૦ કલાક સુધી રહેશે અને આ કથાનું સંસ્કૃતિ ટી.વી. ચેનલ જી.ટી.પી.એલ. નં.૫૫૮ ઉપરથી કથાનું લાઇવ પ્રસારણ થશે.

કથાની પોથી યાત્રા તા. ૧૭ ના રોજ બપોરના ૧.૦૦ વાગ્યે સોમનાથ મહાદેવ મંદિરેથી નીકળી કથા સ્થળે જશે.

કથા પ્રારંભ દિપ પ્રાગટયથી કરાશે જેમાં પૂજય શેરનાથજી બાપુ, પૂ.શ્યામબાપુ, પૂ. તપસીબાપુ, સ્વામિ ભકિત પ્રસાદજી, સ્વામી માધવચરણદાસજી અને સોમનાથ મંદિર પૂજાચાર્ય ધનંજય દવેના વરદ હસ્તે થશે.

આ સમગ્ર કાર્યક્રમની સુંદર વ્યવસ્થા અને તડામાર તૈયારીઓ ઉન્નતિ અભિયાન સેવાશ્રમ સેવા સમિતી ટ્રસ્ટ, નવાગામ તેમવ દ્વાદશ જયોતિલિંગ મંડળ, સુરતના જનકભાઇ પટેલ, ધનેશભાઇ પટેલ,મહેશભાઇ પટેલ, નટવરભાઇ પટેલ સહિતના મંડળના તમામ સેવાભાવી ભાઇઓ-બહેનો કરી રહ્યા છે.

પથિકાશ્રમ સોમનાથ મંદિર સામેના મેદાનમાં યોજાનારી આ કથાના પુજાચાર્ય પ્રભાસના વિદ્ધાન બ્રાહ્મણ પંડિત જયદેવભાઇ જાની રહેશે. આ આશ્રમ શૈક્ષણિક સંકુલ,ગોૈશાળા,અન્નક્ષેત્ર, સર્વરોગ નિદાન કેમ્પ અને દર મહિનાની ૨૫ મી તારીખે નેત્ર નિદાન કેમ્પ આયોજીત કરાય છે.

સોમનાથ કથામાં કથા શ્રવણ કરવા આવનાર શ્રોતાજનોને કથા પૂર્ણ થયે પ્રસાદીની રોજેરોજની વ્યવસ્થા પણ ગોઠવાઇ છે.(૩.૬)

(11:48 am IST)