Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

સૌરાષ્ટ્રના સંત પૂજ્ય જલારામ બાપાની જન્મ અને કર્મભૂમી વીરપુર ખાતે લોકડાઉન જાહેર કર્યા બાદ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવેલ અન્નક્ષેત્ર ૨૩૯ દિવસ બાદ આજથી દર્શનાર્થીઓ માટે ફરી શરૂ

પાંચેક હજાર લોકોને મંદિર ખાતે નહીં પરંતુ તેઓ જ્યાં વસવાટ કરતા હોય ત્યાં જઈને ભોજન આપવામા આવતું એટલે અન્નક્ષેત્ર એક દિવસ પણ બંધ નથી રહ્યું

વિરપુર (જલારામ) : "દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ" ને જીવનમંત્ર બનાવનાર સૌરાષ્ટ્રના સંત પૂજ્ય જલારામ બાપાની જન્મ અને કર્મભૂમી વીરપુર ખાતે ગુજરાત રાજ્યના પોલીસ વડા દ્વારા ૨૧ માર્ચે લોકડાઉન જાહેરકર્યા બાદ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવેલ અન્નક્ષેત્ર ૨૩૯ દિવસ બાદ આજથી દર્શનાર્થીઓ માટે ફરી શરૂ કરવામાં આવ્યું છે.

 આમ તો મંદિર દ્વારા દર્શનાર્થીઓ માટે બાપાના દર્શન ખુલ્લા મુક્યાં ત્યારથી જ સરકારની કોરોના વાયરસની ગાઈડ લાઈન મુજબ જ દર્શન કરાવવામાં આવી રહ્યા છે. પરંતુ દિવાળીના તહેવાર નિમિતે દર્શનાર્થીઓની ભીડને નજરે રાખી દર્શન અને ભોજનની સોશ્યલ ડિસ્ટન્સ જળવાય રહે તે રીતે ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. "જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો" એટલે કે જ્યાં ભૂખ્યાને ભોજન કરાવાય ત્યાં સદા ભગવાનનો વાસ હોય છે. અને અહીં વીરપુર ખાતે તો છેલ્લા બસો વર્ષથી સદાવ્રત ચાલી રહ્યું છે. જે છપનિયા દુકાળમાં પણ બંધ ન હતું રહ્યું. અને તાજેતરમાં સદાવ્રતની બસો વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પૂજ્ય મોરારીબાપુની રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાઉન જાહેર થયું ત્યારથી દર્શનાર્થીઓ માટે અન્નક્ષેત્ર બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ મંદિર આશ્રિત ભિક્ષીકો, દિવ્યાંગો તેમજ પરપ્રાંતીય મજૂરો માટે તો અન્નક્ષેત્ર ચાલુ જ રાખવામાં આવ્યું હતું. પરંતુ તે પાંચેક હજાર લોકોને મંદિર ખાતે નહીં પરંતુ તેઓ જ્યાં વસવાટ કરતા હોય ત્યાં જઈને ભોજન આપવામા આવતું. એટલે અન્નક્ષેત્ર એક દિવસ પણ બંધ નથી રહ્યું.

(11:59 am IST)