Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

સુરેન્દ્રનગરમાં વેરો ન ભરનાર ૩૬ દુકાનોને સીલઃ તંત્રએ ઓચિંતુ ચેકિંગ શરૂ કર્યું

વીઠ્ઠલપ્રેસ રોડ પર માલિકોએ ૭-૮ વર્ષથી ૧૨ લાખનો મિલકતવેરો નહોતો ભર્યો

વઢવાણ,તા.૧૬: સુરેન્દ્રનગર નગરપાલિકાની હદમાં આવેલ મિલકતધારકો નિયમ મુજબ મિલ્કત વેરાની ભરપાઈ કરતાં હોય છે પરંતુ શહેરી વિસ્તારમાં અનેક મિલકતધારકો છેલ્લા પાંચ-આઠ વર્ષથી મિલકત વેરો ભરતાં હોવાનું ધ્યાને આવ્યું હતું.

જેને ધ્યાને લઈ પાલિકાના ચીફ ઓફીસર સંજયભાઈ પંડયાની સુચનાથી હાઉસ ઈન્સપેકટર વિજયસિંહ ગોહિલ તથા વ્યવસાય વેરા અધિકારી અને હાઉસટેક્ષ રીકવરી અધિકારી છત્રપાલસિંહ ઝાલા, પ્રવિણસિંહ પરમાર અને પ્રવિણભાઈ પારદ્યી સહિતની ટીમે શહેરની મધ્યમાં વિઠ્ઠલપ્રેસ રોડ પર આવેલ બાલાજી કોમ્પલેક્ષ, શ્રીજી કોમ્પલેક્ષ તેમજ રાણા ચેમ્બર્સ સહિતના કોમ્પલેક્ષોમાં ચેકીંગ હાથધરવામાં આવ્યું હતું.

જેમાં અંદાજે ૩૬ જેટલાં દુકાનમાલીકોએ છેલ્લા સાત-આઠ વર્ષથી મિલકત વેરો ન કરતાં હોવાનું જણાઈ આવતાં તમામ દુકાનોને સીલ મારવામાં આવ્યાં હતાં જયારે તમામ દુકાનદારોનું અંદાજે ૧૨ લાખ જેટલો મિલકતવેરો બાકી હોવાનું જણાઈ આવ્યું હતું. તેમજ પાલિકા તંત્ર દ્વારા મિલકતોને સીલ મારવામાં આવતાં અન્ય કરદાતાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

(1:02 pm IST)